હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સામે શિંગડાં ભરાવ્યા! યુએસ સરકાર સામે ફેડરલ કેસ દાખલ કર્યો

વોશિંગ્ટન ડીસી: છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસની ઘણી યુનિવર્સીટી સામે કાર્યવાહી કરી હતી, વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટી સહીત કેટલીક યુનિવર્સીટીને મળતું ફંડ રોકી દેવામાં આવ્યું (Trump freeze federal funds to universities) હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક આદેશોનું પાલન કરવા યુનિવર્સીટીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સીટી ટ્રમ્પના દબાણ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ફેડરલ દાવો દાખલ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અબજો ડોલરના ફેડરલ ફંડને સ્થગિત કરીને સંસ્થાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના વકીલોએ સોમવારે ટ્રમ્પ સરકારને પત્ર લખીને કહ્યું કે, “યુનિવર્સિટી તેની સ્વતંત્રતાને જતી નહીં કરે અને તેના બંધારણીય અધિકારો સાથે પણ બાંધછોડ નહીં કરે. હાર્વર્ડ કે અન્ય કોઈ ખાનગી યુનિવર્સિટી પોતાને ફેડરલ સરકાર દ્વારા કબજે કરવાની મંજૂરી આપી શકે નહીં.”
બોસ્ટન ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. હાર્વર્ડ યુનિવર્સીટી દ્વારા દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં દલીલ કરવામાં આવી છે કે સરકારે યુનિવર્સિટીને તેના શૈક્ષણિક કાર્યક્રમો પર સરકારના નિયંત્રણને આધીન રહેવા દબાણ બનાવવા માટે ભંડોળ કાપી નાખ્યું છે.
યુનિવર્સીટીનો દાવો:
મુકદમામાં કહેવામાં આવ્યું છે કે, “તબીબી, વૈજ્ઞાનિક, તકનીકી અને અન્ય સંશોધન ઉદ્દેશ્ય અમેરિકનોના જીવન બચાવવા, અમેરિકન સિદ્ધિઓને પ્રોત્સાહન આપવા, અમેરિકન સુરક્ષા જાળવવા અને ઇનોવેશનમાં ગ્લોબલ લીડર તરીકે અમેરિકાનું સ્થાન જાળવી રાખવાનું છે, પરંતુ સરકાર યહૂદી-વિરોધી ચિંતાઓ અને આ સંશોધનની કામગીરી વચ્ચે ભેદ પરખી સખી નથી.”
વ્હાઇટ હાઉસે હાર્વર્ડ યુનિવર્સીટીને મળતી $2.2 બિલિયનની ગ્રાન્ટ સ્થગિત કરી દીધી છે. હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બરે એક મેસેજમાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારામાં કરવામાં આવી રહેલા અતિરેકના ગંભીર અને લાંબા ગાળાના પરિણામો આવી શકે છે.”
એલન ગાર્બરે જણાવ્યું કે ફંડમાં કાપ મુકવાને કારણે, રીસર્ચનું કામ જોખમમાં આવી ગયું છે, જેમાં બાળકોના કેન્સર, ચેપી રોગો અને ઘાયલ સૈનિકોના દુખાવામાં રાહતની પદ્ધતિના રીસર્ચનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સીટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને દબાવવાના આદેશ આપ્યા હતાં, પરંતુ યુનિવર્સીટીએ આ આદેશોનું પાલન કરવાની મનાઈ ફરમાવી હતી. આ પછી ટ્રમ્પ વહીવટીતંત્રએ ફંડ ફ્રિઝ કરી દીધું હતું.
આ પણ વાંચો… ટ્રમ્પે હવે યુનિવર્સીટીઝ સામે કાર્યવાહી શરુ કરી, હાર્વર્ડની ગ્રાન્ટના અરબો ડોલર્સ ફ્રીઝ કર્યા