
અમદાવાદ: ઉનાળાની શરૂઆત સાથે જ તરબૂચની માંગમાં વધારો જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો દ્વારા તરબૂચમાં કૃત્રિમ કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાને પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તંત્ર દ્વારા ૩૫૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ૪૦૦ થી વધુ તરબૂચના નમૂનાઓનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન એક પણ નમૂનામાં કલર જેવા કોઈ પણ અખાદ્ય પદાર્થની હાજરી મળી આવી નથી. આથી, તરબૂચમાં કેમિકલની ભેળસેળની શંકા ખોટી સાબિત થઈ છે.
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ગુજરાતના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉનાળામાં દ્રાક્ષ અને તરબૂચ જેવા ઠંડક આપતા ફળોની માંગ વધે છે. આનો લાભ લઈને કેટલાક લેભાગુ તત્વો ઇન્જેક્શન દ્વારા કૃત્રિમ કલર નાખીને તરબૂચને આકર્ષક બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયામાં પણ આવા ભ્રામક સમાચારો ફેલાતા હોય છે. આવા તત્વોને ડામવા માટે તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની ટીમ સતત બજારમાં નજર રાખી રહી છે અને લોકોની સુખાકારી માટે ખડેપગે કાર્યરત છે.
આ પણ વાંચો…બોલો, સુરતમાંથી બનાવટી શેમ્પુનું આખું ગોડાઉન પકડાયુંઃ 16 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત