મુંબઈમાં આજે હીટવેવ: ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ રહેવાનો છે, જેમાં સોમવારે મુંબઈમાં તાપમાન પ્રમાણમાં સરેરાશ ઓછું રહ્યું હતું. પરંતુ આજે મુંબઈમાં હીટવેવની ચેતવણી આપીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો થાણેમાં આજે અને આવતી કાલે બે દિવસ હીટવેવ રહેશે. આ દરમ્યાન સોમવારે હિલ સ્ટેશન માથેરાનમાં તાપમાનનો પારો ૩૪.૮ ડિગ્રી નોંધાયો હતો, જે મુંબઈ કરતા પણ ઊંચો રહ્યો હતો.
સોમવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી અને કોલાબામાં ૩૩.૪ ડિગ્રી નોધાયું હતું. તો લઘુતમ તાપમાન અનુક્રમે ૨૫.૧ ડિગ્રી અને ૨૬.૦ ડિગ્રી નોંધાયું હતું. તેની સામે હાલ રાજ્યમાં વિદર્ભમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં ૪૨ ડિગ્રીથી ૪૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી નોંધાયું હતું. ચંદ્રપુરનું તાપમાન સમગ્ર રાજ્યમાં સૌથી હાઈએસ્ટ રહ્યું હતું.