બિહારમાં ખડગેની સભા ફ્લોપ જતાં પાર્ટીએ કરી કાર્યવાહી; જિલ્લા પ્રમુખને કરાયા સસ્પેન્ડ…

બક્સર: બિહારમાં બક્સરમાં યોજાયેલી કોંગ્રેસના એક સંમેલનમાં ભીડ એકઠી કરવામાં સફળ નહિ થતાં હવે તેની આળનો પોટલો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કુમાર પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખને કરાયા સસ્પેન્ડ

મળતી વિગતો અનુસાર બક્સરના દલસાગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી નિષ્ફળ ગયા બાદ, પાર્ટીએ જિલ્લા પ્રમુખ સામે કડક કાર્યવાહી કરી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ડૉ. મનોજ કુમાર પાંડેને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેલી દરમિયાન, કોંગ્રેસના નેતાઓમાં સંકલનનો ભારે અભાવ જોવા મળ્યો હતો. રેલી સ્થળે ખુરશીઓ ભરવા માટે જરૂરી ભીડના 10 ટકા લોકો પણ નેતાઓ ભેગા કરી શક્યા ન હતા.
અન્ય નેતાઓને પણ ચેતવણી?
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સભામાં લોકોને લાવવાને બદલે, ઘણા નેતાઓ માત્ર મોટા નેતાઓ સાથે ફોટા પડાવીને પોતાનો ચહેરો ચમકાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ નિષ્ફળતાને પગલે પાર્ટીએ જિલ્લા પ્રમુખ ડૉ. મનોજ કુમાર પાંડેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અન્ય નેતાઓ માટે પણ ચેતવણીરૂપ છે, જેઓ પાર્ટીના કાર્યક્રમોને ગંભીરતાથી લેતા નથી.