હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો સ્વત્રંત રીતે એકાઉન્ટ હેન્ડલ કરી શકશે, જાણો RBI નો પરિપત્ર…

નવી દિલ્હી: હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમના બેંક ખાતાને સ્વતંત્ર રીતે ચલાવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ સંબંધમાં બેંકોને નિર્દેશ આપ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે 10 વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે બચત/ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. અત્યાર સુધી સગીરના બેંક એકાઉન્ટ માટે માતાપિતાની મંજૂરી અનિવાર્ય ગણવામાં આવતી હતી.
RBIનો પરિપત્ર
મળતી વિગતો અનુસાર RBIએ કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોને જાહેર કરેલા એક પરિપત્રમાં કહ્યું કે કોઈપણ ઉંમરના સગીરોને તેમના કુદરતી અથવા કાનૂની વાલી દ્વારા બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. માતાને વાલી તરીકે રાખીને પણ આવા ખાતા ખોલવાની મંજૂરી આપી શકાય છે. પરિપત્ર મુજબ બેંકો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ અંગે જે પણ નિયમો અને શરતો નક્કી કરવામાં આવે છે, તેના વિશે ખાતાધારકને માહિતી આપવામાં આવશે.
પણ આ ધ્યાન રાખવું પડશે
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે બેંકો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિ, ઉત્પાદન અને ગ્રાહકોના આધારે સગીર ખાતાધારકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ, ચેક બુક સુવિધા વગેરે જેવી વધારાની સુવિધાઓ આપવા માટે સ્વતંત્ર છે. બેંકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે સગીરોના ખાતા, ભલે તે સ્વતંત્ર રીતે સંચાલિત હોય કે વાલી દ્વારા, તેમાંથી વધુ ઉપાડ ન થાય અને તેમાં હંમેશા જરૂરી રકમ રહે.
હાલની નીતિઓમાં સુધારો કરે
RBIએ કહ્યું કે આ ઉપરાંત બેંકો સગીરોના જમા ખાતા ખોલવા માટે ગ્રાહકની યોગ્ય ખરાઈ કરવાની રહેશે અને તે આગળ પણ ચાલુ રાખવાની રહેશે. RBIએ બેંકોને કહ્યું છે કે તેઓ 1 જુલાઈ, 2025 સુધીમાં સંશોધિત દિશાનિર્દેશો અનુસાર નવી નીતિઓ બનાવે અથવા હાલની નીતિઓમાં સુધારો કરે.
આપણ વાંચો : RBIએ આપ્યું મહત્ત્વનું અપડેટ, અત્યારે જ જાણી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…