
નવી દિલ્હી: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસની ભારત મુલાકાત પર છે. આજે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ભારતની મુલાકાતના પહેલા દિવસે, વેન્સ સાંજે પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે વડા પ્રધાન આવાસ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચે સહયોગ માટે નવી તકો ઉભી કરવા અને સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બાળકો સાથે કરી PM મોદીએ કરી વાત
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે તેમની પત્ની અને બાળકો સાથે પીએમ મોદીને મળ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, તેમના પત્ની ઉષા ચિલુકુરી અને બાળકોએ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાન નિવાસસ્થાને પીએમ મોદીને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ જેડી વેન્સના બાળકો સાથે પણ વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ જ્યારે બંને દેશો સંભવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ગંભીર વાટાઘાટો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વાતચીતમાં, અમેરિકન વેપાર નીતિઓ, ટેરિફ અને બજાર ઍક્સેસ પર ભારતની ચિંતાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજે પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા

વેન્સ હાલમાં ભારતની ચાર દિવસની મુલાકાતે છે. સોમવારે સવારે તેઓ તેમના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા, તે પહેલાં તેઓ ઇટાલી ગયા હતા. રસપ્રદ વાત એ છે કે, 2013માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જો બાયડેનની મુલાકાત બાદ છેલ્લા 12 વર્ષમાં તેઓ ભારતની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સહિત લગભગ 60 દેશો પર લાદવામાં આવેલા ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત કરી છે.
અક્ષરધામ મંદિરની મુલાકાત

વડા પ્રધાનની મુલાકાત પૂર્વે જેડી વેન્સે તેમના પત્ની ઉષા ચિલુકુરી અને ત્રણ બાળકો સાથે સોમવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતની મુલાકાત દરમિયાન વેન્સ આગ્રા અને જયપુરની પણ મુલાકાત લઈ શકે છે. વેન્સ અને તેનો પરિવાર અક્ષરધામ મંદિરમાં લગભગ ચાર કલાક રોકાયા હતા. તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા.