આમચી મુંબઈ

ચૂંટણીમાં પરાજયે રાહુલને માનસિક અસર કરી છે: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચૂંટણી પંચ પરની ટિપ્પણી બાબતે અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે વારંવાર ચૂંટણીમાં મળી રહેલા પરાજયને કારણે રાહુલ ગાંધીના મગજ પર અસર થઈ ગઈ છે.

અમેરિકાની મુલાકાતે રહેલા રાહુલ ગાંધીએ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિના મહારાષ્ટ્રમાં વિજય અંગે શંકા ઉપસ્થિત કરી હતી અને ચૂંટણી પંચ પર ‘સમજૂતી’ કરવાનો આરોપ લગાવ્યો હતો. આવી ટિપ્પણીને બાલિશ ગણાવતાં ફડણવીસે કહ્યું હતું કે હું ગાંધીને એવી સલાહ આપીશ કે વિદેશમાં જઈને દેશને બદનામ કરવાને બદલે લોકોની વચ્ચે રહીને કામ કરો. આવા નિવેદનો તેમને મતો મેળવી આપી શકશે નહીં. વારંવાર ચૂંટણીમાં મળતા પરાજયને કારણે તેમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે.

રવિવારે એક કાર્યક્રમમાં બોલતાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ‘સાદા શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં રહેલા પુખ્ત વયના કુલ લોકો કરતાં વધુ લોકોએ મતદાન કર્યું હતું.’ ચૂંટણી પંચે અમને 5.30 વાગ્યે મતદાનના આંકડા આપ્યા અને 5.30થી 7.30 વચ્ચે 65 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. આ ભૌતિક રીતે થવું અશક્ય છે. કેમ કે મતદારને મતદાન કરવા માટે સાધારણ ત્રણ મિનિટનો સમય લાગે છે. જો ગણિત કરો તો એનો અર્થ એવો થાય કે સવારે બે વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આવું થયું નહોતું, એમ તેમણે કહ્યું હતું.

જ્યારે અમે તેને વિડીયોગ્રાફી માટે પુછ્યું તો તેમણે નકારી કાઢ્યું એટલું જ નહીં, કાયદામાં ફેરફાર કરી નાખ્યો જેથી વિડીયોગ્રાફી માગી શકાય નહીં. આના પરથી અમારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણી પંચે સમજૂતી કરીલીધી છે. સિસ્ટમ સાથે કશું ખોટું થઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો : ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button