મહારાષ્ટ્રમાં વીજ બિલના પેન્ડિંગ બિલની રકમ 98,000 કરોડે પહોંચીઃ મહાવિતરણને ઝટકો…

મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સરકાર તરફથી કરવામાં આવેલી ‘મફત’ની જાહેરાતો તથા આ સમય દરમિયાન વીજળીના પેન્ડિંગ બિલની વસૂલી તરફ મહાવિતરણ દ્વારા કરાયેલા દુર્લક્ષને કારણે પેન્ડિંગ બિલોની વસૂલીનો આંકડો ૯૮,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ રકમમાં કૃષિપંપના ૭૫,૦૦૦ કરોડના બિલ બાકી છે. આ પેન્ડિંગ બિલોનો આંકડો વધી રહ્યો છે અને એક લાખ કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહાયુતિએ વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને ૭.૫ હોર્સપાવરની ક્ષમતા સુધીના કૃષિપંપને મફત વીજળી પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
આનો લાભ રાજ્યના ૪૪,૦૬,૦૦૦ ખેડૂતોને થશે અને તે માટે ૧૪,૭૬૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે ૨૮મી જૂન, ૨૦૨૪ના પ્રધાનમંડળમાં રજૂ કરેલા બજેટમાં જણાવ્યું હતું. રાજ્યમાં કૃષિપંપની સંખ્યા અંદાજે ૪૮ લાખ છે જેમાંથી ૭.૫ હોર્સપાવરની ક્ષમતાવાળા પંપ ધરાવતા ખેડૂતોએ વીજળીના બિલ ભરવાનું બંધ કરી દીધું છે.
ગયા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હતી તેથી મહાવિતરણ તરફથી ગ્રાહકો પાસેથી બિલ વસૂલવાની કાર્યવાહીમાં પણ ઢીલ આપવામાં આવી હતી. તેથી ૩૧મી માર્ચ, ૨૦૨૪ના ૮૯,૩૨૦ કરોડ રૂપિયાના પેન્ડિંગ બિલનો આંકડો ૩૧મી માર્ચ, ૨૦૨૫ સુધી નવ મહિનામાં ૯૭,૭૭૦ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો. હવે છેલ્લા ચાર મહિનામાં આ આંકડો પણ વધીને એક લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
આપણ વાંચો : ઘાટકોપરમાં ટ્રસ્ટના ગેરકાયદે હોલને તોડવા હાઈ કોર્ટનો આદેશ…