અમદાવાદ

લગ્નની લાલચ આપીને અમદાવાદમાં રાજકોટની યુવતી પર દુષ્કર્મ કર્યું…

વાંધાજનક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ પડાવ્યા

રાજકોટ: અમદાવાદના એક શખસે રાજકોટની 30 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતો. એટલું જ નહીં, એ શખસે યુવતીના વાંધાજનક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કુલ 20 લાખ રૂપિયા પડાવી લેવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા એ શખસની સામે પગલાં લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસને મળેલી ફરિયાદ અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ મયંકભાઈ મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. તેણે યુવતીને કહ્યું હતું કે તે તેની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લેવા માંગે છે અને આ માટે તેને આર્થિક મદદની જરૂર છે. આરોપીની વાતમાં વિશ્વાસ રાખી યુવતીએ તેને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી.

યુવતી પાસેથી 20 લાખ રુપિયા પડાવ્યા
આરોપીએ યુવતીની જાણ બહાર તેનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો યુવતીને વોટ્સએપ પર મોકલીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીના આધારે આરોપીએ અલગ અલગ સમયે યુવતી પાસેથી પોતાના બેંક ખાતામાં કુલ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત તેણે રોકડા પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આમ, આરોપીએ યુવતી પાસેથી કુલ 20 લાખ રૂપિયા પડાવ્યા હતા.

યુવતી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા
ફરિયાદમાં યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન આરોપીએ લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા, જ્યારે યુવતીને આરોપીની હકીકત ખબર પડી ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદની હદમાં કેસ નોંધાતા તપાસ હાથ ધરાઈ
રાજકોટ એ ડિવિઝન પોલીસે આ મામલે દુષ્કર્મ, ધમકી અને આઈટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ બનાવ અમદાવાદની હદ વિસ્તારમાં બન્યો હોવાથી વધુ તપાસ કરવા માટે કેસ અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજકોટમાં ખળભળાટ મચાવી દીધો છે.

આપણ વાંચો : રાજકોટમાં બાળકી સાથે શિક્ષિકાએ શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ; પોલીસે નોંધી ફરિયાદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button