જાણીતા સિંગર અરમાન મલિકે ચૂપચાપ કરી લીધી સગાઇ: ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ
મુંબઇ: પોતાના સૂરીલા સ્વરથી પ્રેક્ષકોનું મનોરંજન કરનાર સીંગર અરમાન મલિક બોલીવુડના લોકપ્રિય ગાયક છે. અરમાનના લાખો ચાહકો છે. હવે અરમાન મલિક તેના જીવનની નવી શરુઆત કરવા જઇ રહ્યો છે. અરમાને હાલમાં જ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઇ કરી છે. તેમની સગાઇના ફોટો હાલમાં સોશિય મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે.
થોડા દિવસો પહેલાં અરમાને ગર્લફ્રેન્ડ સાથેના ફોટો પોસ્ટ કરી પ્રેમની કબૂલાત કરી હતી. આશના શ્રોફને પ્રપોઝ કરતો ફોટો અરમાને પોસ્ટ કર્યો હતો. હવે તેણે આશના સાથે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સગાઇ કરી લીધી છે. અરમાને તેની સગાઇના કેટલાંક ખાસ ક્ષણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અરમાન મલિકના કસમ સે ગીતમાં આશના શ્રોફ ઝળકી હતી. ત્યારથી આ બંનેના સંબંધોની ચર્ચા થઇ રહી છે. હવે સગાઇને કારણે તેમના સંબંધને નામ મળી ગયું છે.
સગાઇ માટે અરમાને ખાસ લૂક કર્યો હતો. સફારીમાં સજ્જ અરમાનની કંઇક અલગ અદા જોવા મળી હતી. જ્યારે આશનાએ સાડી પહેરીને ગ્લેમરસ લૂક કર્યો હતો. આશના શ્રોફ એક લોકપ્રિય યુટ્યૂબર અને બ્લોગર છે. ફેશન અને બ્યૂટીના કન્ટેન્ટ ધરાવતા વિડીયો તે બનાવતી હોય છે. જોકે આશના અરમાન કરતાં બે વર્ષ મોટી હોવાની વાત જાણવા મળી છે. અરમાન મલિક જાણીતા સંગીતકાર સરદાર મલિકનો પૌત્ર અને અનુ મલિકનો ભત્રીજો છે.