ઉત્તર મુંબઈના 11 તળાવની કાયાપલટ કરાશે

મુંબઈ: ઉત્તર મુંબઈનાં ૧૧ તળાવની કાયાપલટ કરવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કરી હતી. ઉત્તર મુંબઈમાં ૧૧ તળાવ છે જેની અતિક્રમણને કારણે બદતર હાલત થઇ ગઇ છે. આગામી બે વર્ષમાં આ તળાવોને સ્વચ્છ કરી તેની આસપાસ સુશોભીકરણ કરવામાં આવશે, એવી જાહેરાત પીયૂષ ગોયલે કરી હતી.
આ તળાવોમાં માલવણીના કમળ તળાવ, ગોરાઇના સુમલાઇ તળાવ, મઢના વનાલા, પોસાઇ, બરબાદેવી અને ધારાવલી તળાવ તથા મનોરીના કજરાદેવી તળાવનો સમાવેશ થાય છે. આ તળાવોના સુશોભીકરણની યોજના આ વર્ષની શરૂઆતમાં જ થઇ ગઇ હતી, જ્યારે પાલિકાના અધિકારીઓએ પી-ઉત્તર વોર્ડની મુલાકાત લીધી હતી.
તળાવોની કાયાપલટનું કામ બે તબક્કામાં કરાશે. પહેલા તબક્કાનું કામ તાત્કાલિક શરૂ કરાશે. જે તળાવો ઊંડા છે અથવા જ્યાં સુશોભીકરણનું કામ બહુ નથી કરવાનું ત્યાં ઝડપથી કાર્ય પૂર્ણ કરાશે. બીજા તબક્કાનું કામ ત્યાર બાદ હાથ ધરવામાં આવશે.
આ પહેલી વખત નથી કે તળાવોની કાયાપલટની યોજના બનાવવામાં આવી હોય. ૨૦૨૨માં પણ આવી યોજના બનાવવામાં આવી હતી જેના હેઠળ પી-ઉત્તર વોર્ડના ૧૮ તળાવનું સુશોભીકરણ કરવાનું હતું, પણ આ યોજના નિષ્ફળ ગઇ હતી. હવે ૧૧ તળાવના સુશોભીકરણનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.