ઉદ્ધવ અને રાજ ફરી ભેગા થાય તો મરાઠી માણુસને ફાયદો થશે: રામદાસ કદમ

મુંબઈ: શિવસેનાના નેતા રામદાસ કદમે સોમવારે કહ્યું હતું કે, જો અલગ થયેલા ઠાકરે પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ એકસાથે આવે છે, તો આ પુન:મિલન ચોક્કસપણે મરાઠી માણુસના હિતમાં હશે.
કદમે કહ્યું હતું કે, જ્યારે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અવિભાજિત શિવસેનામાં હતા, ત્યારે તેમણે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાળા નાંદગાંવકરે બંને પિતરાઈ ભાઈઓને સમાધાન કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
જોકે, ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય સકારાત્મક પ્રતિભાવ આપ્યો ન હતો, એમ તેમણે કહ્યું હતું.
જો બે ભાઈઓ એક થવાના છે તો તે ચોક્કસપણે મરાઠી માણુસના હિતમાં હશે, એમ કદમે કહ્યું હતું.
ઉદ્ધવ અને રાજ ઠાકરેએ લગભગ બે દાયકાથી કડવા સંબંધ વિચ્છેદ પછી, ‘તુચ્છ મુદ્દાઓ’ને અવગણીને હાથ મિલાવવાના નિવેદનો સાથે સંબંધો અંગે અટકળો ફેલાવી છે.
આ પણ વાંચો: નારાજ રામદાસ કદમને રીઝવવાના પ્રયાસ?
રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (યુબીટી)ની હારનો ઉલ્લેખ કરતા કદમે કહ્યું હતું કે ઉદ્ધવે બધું ગુમાવી દીધું હોવાથી, તેઓ રાજની મદદથી તેમના પક્ષના અવશેષોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજ ઠાકરે એક વિશાળ હૃદયના વ્યક્તિ છે, પરંતુ ઉદ્ધવ ક્યારેય રાજ ઠાકરેને આગળ વધવા દેશે નહીં, એવો દાવો તેમણે કર્યો હતો.
જો રાજ ઠાકરેને 2003માં શિવસેનાના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હોત, તો પાર્ટી વિભાજીત ન થાત, એમ પણ ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું હતું.