ઉદ્ધવ ઠાકરે ‘આધુનિક દુર્યોધન’ જેમણે રાજ ઠાકરેને શિવસેના છોડવા મજબૂર કર્યા: શિવસેના

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: શિવસેનાએ સોમવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને ‘આધુનિક દુર્યોધન’ ગણાવ્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેને બાળ ઠાકરે દ્વારા સ્થાપિત અવિભાજિત પક્ષમાં ક્યારેય ઉભરવા દીધા નહોતા.
એક પત્રકાર પરિષદને સંબોધતા, શિવસેનાના પ્રવક્તા અને થાણેના સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો કે ઉદ્ધવ દ્વારા મનસેના વડા રાજ ઠાકરે સાથે હાથ મિલાવવાની તાજેતરની વાતો સેના (યુબીટી)ના ઘટતા મતદાર આધારને ધ્યાનમાં રાખીને સુસંગત રહેવાની તેમની નિરાશા દર્શાવે છે.
આ પણ વાંચો: રાજ-ઉદ્ધવ ઠાકરે એક થવાના સવાલ અંગે એકનાથ શિંદેએ શું આપ્યો જવાબ?
આ કડક ટીકા ત્યારે થઈ જ્યારે અલગ થયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરેએ નિવેદનો સાથે સંભવિત સમાધાન અંગે અટકળો ફેલાવી રહ્યા છે. જેમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે બંને વચ્ચેના કડવાશપૂર્ણ સંબંધોના લગભગ બે દાયકા પછી તેઓ ‘તુચ્છ મુદ્દાઓ’ને અવગણી શકે છે અને હાથ મિલાવી શકે છે,
‘સેના (યુબીટી) પાસે ભીડ ખેંચનારા નેતાઓ નથી. આ અનુભૂતિએ તેમને રાજ ઠાકરે તરફ વળવા પ્રેર્યા છે. પાર્ટી લોકસભા અને રાજ્યસભા બંનેમાં અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે,’ એવો આરોપ મ્હસ્કેએ લગાવ્યો હતો.
આ પણ વાંચો: રાજ ઠાકરેને શિવસેના છોડવા માટે ‘આ’ વ્યક્તિ હતી જવાબદારઃ નિતેશ રાણેનો આક્ષેપ
ઉદ્ધવ ઠાકરેને ‘આધુનિક દુર્યોધન’ ગણાવતા, મ્હસ્કેએ કહ્યું હતું કે, ‘તેમણે ક્યારેય તેમના ભાઈ રાજ ઠાકરેને પાર્ટીમાં ઉભરવા દીધા નહીં, જ્યારે બાળાસાહેબ ઠાકરેએ તેમને મહત્ત્વની જવાબદારીઓ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ઉદ્ધવે તેનો સખત વિરોધ કર્યો હતો.’ એમ મ્હસ્કેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ ઠાકરે સેના (યુબીટી)ના પ્રસ્તાવોમાં ફસાશે નહીં.
‘તેમને અવિભાજિત સેનામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. હવે તેઓ ઇચ્છે છે કે તેઓ ડૂબતા વહાણમાં ચઢે, પરંતુ રાજ ભોળા રાજકારણી નથી,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે શિવસેના (યુબીટી) પર વક્ફ કાયદા પરના તેમના વલણનો ઉલ્લેખ કરીને હિન્દુત્વ પર ‘બેવડા ધોરણો’ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું
‘તેઓએ વક્ફ (સુધારા) બિલને ટેકો આપ્યો ન હતો. તેઓ રાજકીય લાભ માટે પહેલાથી પાંચમા ધોરણ સુધી હિન્દીને શિક્ષણના માધ્યમ તરીકે રજૂ કરવાનો પણ વિરોધ કરી રહ્યા છે. પાંચમા ધોરણ પછી હિન્દી પહેલેથી જ શીખવવામાં આવે છે. તેઓ ફક્ત મત માટે વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
મ્હસ્કેએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ગેરહાજર નેતા ગણાવ્યા જે દેશની બહારથી નિવેદનો આપે છે, પરંતુ સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ જાય છે.
તેમણે કહ્યું કે સેના (યુબીટી) ફેક નેરેટિવ બનાવી રહી છે કારણ કે તેઓ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગયા છે.