નેશનલ

કાશ્મીરના રામબનમાં આફતઃ હાઇ-વે પર ફસાયેલા નવદંપતી માટે ભારતીય સેના દેવદૂત બની

રામબનઃ જમ્મુ-શ્રીનગરમાં ભારે વરસાદને કારણે હાલ પૂરની સ્થિતિ છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર રામબન નજીક ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા મુસાફરોને ભારતીય સેના શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. આ વખતે ભારતીય સેનાએ એક નવપરિણીત યુગલને મદદ કરી અને વરરાજા અને કન્યાએ મદદ માટે સેનાનો આભાર પણ માન્યો હતો.

રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેના કારણે એક વરરાજાને જાન લઈને તેની નવવધુને લાવવા માટે પગપાળા લાંબો પ્રવાસ કરવો પડ્યો હતો. વરરાજાએ કહ્યું હતું કે મારા લગ્ન હતા અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ હોવાથી અમે લગ્નની જાન લઈને ખૂબ જ મુશ્કેલીથી કન્યાના ઘરે પહોંચ્યા. આ દરમિયાન ભારતીય સેના અમારી મદદે આવી અને હું આ માટે તેમનો આભાર માનું છું. અમારા માટે આ સફર સરળ નહોતી, પરંતુ ભારતીય સેના તરફથી મળેલી મદદથી અમે બધા ખૂબ ખુશ છીએ.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું અને સ્થળોએ ભૂસ્ખલન, ત્રણ લોકોના મોત

દુલ્હને પણ ભારતીય સેના તરફથી મળેલી મદદ પર ખુશી વ્યક્ત કરી. તેણે કહ્યું કે મારું ઘર ઉધમપુરના ચેનાનીમાં આવેલું છે. ખરાબ હવામાનને કારણે અમારા લગ્ન ધામધૂમથી થઈ શક્યા નહીં, પરંતુ સેનાએ ખૂબ મદદ કરી છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે પોલીસ દળે 100 થી વધુ લોકોને બચાવ્યા હતા.

લેફ્ટનન્ટ ગવર્નરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રામબનમાં સતત વરસાદને કારણે આવેલા પૂરને કારણે થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે રામબનમાં અવિરત વરસાદને કારણે આવેલા પૂરને કારણે થયેલી જાનહાનિથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. જિલ્લા વહીવટીતંત્ર, SDRF, બચાવ ટીમો બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે. વહીવટીતંત્રે એલર્ટ જારી કર્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ૨૨ થી ૨૮ એપ્રિલ સુધી હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે, પરંતુ ૨૫ એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અહીં એ જણાવવાનું કે રામબનમાં ગુજરાતના પર્યટકો પણ ફસાયા હતા, જેમને સમયસર પ્રશાસન દ્વારા સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button