નેશનલ

બિહારની સરકારી શાળામાંથી લાખો વિદ્યાર્થીઓના નામ કેમ કાઢી નાખવામાં આવ્યા…

પટણા: બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે.કે.પાઠકના આદેશ બાદ વિદ્યાર્થીઓના નામો કાઢવાની પ્રક્રિયા સતત ચાલુ છે. 

બિહારની સરકારી શાળાઓમાં 15 દિવસથી વધુ સમયથી શાળાએ ના આવતા વિદ્યાર્થીઓ સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. વિભાગના અધિક મુખ્ય સચિવ કે કે પાઠકના નિર્દેશ પર શિક્ષણ વિભાગે અત્યાર સુધીમાં બિહારની સરકારી શાળાઓમાંથી 20 લાખ 87 હજાર 63 બાળકોના નામ કાઢી નાખ્યા છે. જે વિદ્યાર્થીઓના નામ શાળાઓમાંથી હટાવવામાં આવ્યા છે તેમાં ધોરણ 9 થી 12 સુધીના બાળકોનો પણ સમાવેશ થાય છે.


શિક્ષણ વિભાગે બિહારના તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓને સતત 15 દિવસ સુધી કોઈપણ માહિતી વિના સરકારી શાળાઓમાંથી ગુમ થયેલા લોકોનું નામાંકન રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શિક્ષણ વિભાગના આ આદેશ બાદ શાળાઓમાં સતત ચકાસણી ચાલી રહી છે. આ તપાસ દરમિયાન બિહારના ફક્ત ચાર જિલ્લાની સરકારી શાળાઓમાંથી લગભગ 2 લાખ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે.


સરકારી શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા તેમની યાદી પણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જો કે શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે, એક બાળકની વાલીઓ ઘણી શાળાઓમાં નોંધણી કરાવે છે. શિક્ષણ વિભાગે એવી પણ જાહેરાત કરી હતી કે આવા ભૂતિયા વિદ્યાર્થીઓને મેટ્રિક અને ઈન્ટરમીડિયેટની પરીક્ષાઓમાં પણ સામેલ ન કરવા જોઈએ. જો કે કોઇ કારણસર વિદ્યાર્થી લાંબા સમય સુધી ના આવી શક્યો હોય અને તેનું કારણ યોગ્ય હોય તો તેને નિયમ મુજબ ફરી શાળાએ આવવાની તક આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button