રાજકોટમાં ચાર જણના જીવ લેનારા સિટી બસના ડ્રાઈવરને પોલીસે પકડ્યો
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી

રાજકોટ: ચાર દિવસ પહેલાં રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક થયેલા ગમખ્વાર સિટીબસ અકસ્માતના કેસમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતના આરોપી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
શું કહ્યું આરોપીએ?
અકસ્માતમાં બસચાલક શિશુપાલસિંહ રાણાને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ગઈકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી લીધી હતી. અકસ્માત બાદ આરોપી બસચાલક શિશુપાલસિંહ રાણાએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે સમયસર બ્રેક ન લાગવાને કારણે અને ભૂલથી એક્સિલેટર દબાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આપણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતઃ ટ્રકે પાંચ વાહનને મારી ટક્કર ત્રણનાં મોત
ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની વિસ્તૃત પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપી શિશુપાલસિંહ રાણાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે તેણે બસને રોકવા માટે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક લાગી શકી નહોતી. તેના બદલે ભૂલથી તેનો પગ એક્સિલેટર પર આવી ગયો હતો, જેના કારણે બસ આગળ વધી ગઈ અને રાહદારીઓ તથા અન્ય વાહનો તેની હડફેટે આવી ગયા અને અકસ્માત સર્જાયો હતો. હાલમાં પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.