ગુજરાતી ફિલ્મ પારિતોષિક વર્ષ-૨૦૨૪ માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ…

ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મો સારી બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ફિચર ફિલ્મો ડોક્યુમેન્ટરી ફિલ્મો અને બાળકોની ફિલ્મો સંબંધિત નિર્માતાઓ-અરજદારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય એવા ગુજરાતી ચલચિત્રોને એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. આવેલી અરજીઓમાંથી શ્રેષ્ઠ ફિલ્મો કલાકાર કસબીઓને પારિતોષિક માટે તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે. નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.