મુંબઈ સામે હાર્યા પછી ચેન્નઈના મુખ્ય કોચે ટીમ માટે આપ્યું નિવેદન કે, કોઈ કસર છોડશે નહીં…

મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સ હાર્યા પછી ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે તેમની ટીમ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેમની સ્થિતિને લઇને અજાણ નથી, પરંતુ આ સાથે તેમણે કહ્યું હતું કે પાંચ વખતની ચેમ્પિયન ટીમ આગામી સિઝન માટે ખેલાડીઓ શોધવામાં કોઈ કસર છોડશે નહીં.
રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટે પરાજય મેળવ્યા બાદ ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ચેન્નઈ ટીમને આઠ મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહી હતી.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ પાંચ વિકેટે માત્ર 176 રન જ કરી શક્યું હતું. રોહિત શર્મા (અણનમ 76) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 68)ની અડધી સદીની મદદથી મુંબઈએ આ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું.
મેચ પછી ફ્લેમિંગે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે તમે તમારા સ્તરથી નીચે રમી રહ્યા હોવ ત્યારે સ્પર્ધામાં ટકી રહેવા માટે પ્રેરણા મેળવવી મુશ્કેલ હોય છે પરંતુ અમારે અમારો ઉત્સાહ જાળવી રાખવો પડશે. ફ્લેમિંગે કહ્યું હતું કે ચેન્નઈની થિંક-ટેન્ક તેમના નસીબને ફેરવવા માટે ભૂતકાળના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરશે. ફ્લેમિંગના મનમાં 2023માં તેમની ટીમે કરેલા ફેરફારો હશે જ્યારે તેઓ 2022માં નવમા સ્થાને રહ્યા બાદ ટાઇટલ જીત્યા હતા.
તેમણે કહ્યું હતું કે આ ટુર્નામેન્ટ દરમિયાન કંઈપણ વ્યર્થ જશે નહીં. અમે તે ટુર્નામેન્ટ્સ પર નજર નાખીશું જ્યાં પરિણામો અમારા અનુકુળ રહ્યા નથી પરંતુ તે ટુર્નામેન્ટના અંતે અમે જે કાર્ય કર્યું હતું તેને ફરીથી અમલમાં મૂકીને તે અમને આવતા વર્ષે વિજય માટે તૈયાર કરશે.
ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે અમે હાલમાં જે પરિસ્થિતિમાં છીએ તેના વિશે અમે વાસ્તવિક છીએ, પરંતુ આવતા વર્ષ માટે ખેલાડીઓ અને ટીમ કોમ્બિનેશન શોધવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં અને અમે તેને એક તક તરીકે જોઈશું. ફ્લેમિંગે કહ્યું હતુ કે (આ) કોઈ મોટી તક નથી કારણ કે અમે અંત સુધી સ્પર્ધામાં રહેવા માંગીએ છીએ પરંતુ જો એવું થશે કે અમારી પ્લેઓફમાં સ્થાન મેળવવાની કોઈ શક્યતા નથી તો અમે ચોક્કસપણે તેનો મહત્તમ ઉપયોગ કરીશું.