જૂનાગઢ

વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ‘બાપુ’ની એન્ટ્રી: રાજકારણમાં ગરમાવો

વિસાવદર: જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે આ બેઠક પર રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા “બાપુ”એ ઝંપલાવ્યું છે.

પેટાચૂંટણીની જાહેરાત પૂર્વે જ રાજકીય પક્ષોની તૈયારી

મળતી વિગતો અનુસાર ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે ભાજપ હજુ ઉમેદવારની જાહેરાત કરે તેવી સંભાવનાઓ છે પરંતુ તે બધાની વચ્ચે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને વડા શંકરસિંહ વાઘેલા “બાપુ” વિસાવદર આવી રહ્યા છે.

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ‘તેવર’ બદલાયાઃ એકલા હાથે લડવાની જાહેરાત…

વિસાવદરની પેટાચૂંટણીમાં “બાપુ” ની એન્ટ્રી

તેઓ આવતીકાલે મંગળવારે સવારે ૯:૩૦ કલાકે સુંદરબા બાગ હોલ, વિસાવદર ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે. આ ઘટનાએ વિસાવદરની પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે અને લોકોમાં ઉત્તેજના જગાડી છે. ઉલ્લેખનીય છે કે વિસાવદરની પેટાચૂંટણીમાં “બાપુ” ની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, અને આ ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

શા માટે અટકી હતી આ ચૂંટણી?

ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક પર ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, હર્ષદ રીબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો હતો. રાજકીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિસાવદર બેઠક પર આગામી મહિનાઓમાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button