મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતઃ ટ્રકે પાંચ વાહનને મારી ટક્કર ત્રણનાં મોત

પુણે: લોનાવલા નજીક જૂના પુણે-મુંબઈ હાઇવે પર એક ટ્રકે પાંચ વાહન સાથે અથડાતા ત્રણ લોકોના મોત અને ૧૨ ઘાયલ થયા હતા, જ્યારે ચાર જણની ગંભીર હાલત છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત રવિવારે રાતના ૧૦.૨૦ વાગ્યે બોર ઘાટ નજીક બેટરી હિલ પર બનેલી આ ઘટનામાં ઢાળ પરથી ઉતરતી વખતે ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેને કારણે ટ્રકે પાંચ વાહનોને ટક્કર મારી હતી, પરિણામે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ હતી, એમ સત્તાવાર જણાવાયું હતું.
લોનાવલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુહાસ જગતાપે જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલી ૧૦ વર્ષની છોકરી અને તેના પિતા અને અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. બાર અન્ય વ્યક્તિઓ ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આપણ વાંચો: રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ
આ અકસ્માતની જાણ થયા પછી હાઈ-વે પોલીસ, લોનાવલા, ખંડાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ લોકોને પનવેલ, ખપોલી, લોનાવલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રસ્તા પરથી કાટમાળ અને બચાવ કામગીરી પૂરી કર્યા પછી વાહનવ્યવહારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ 18મી એપ્રિલના મુંબઈના ચેમ્બુરમાં કચરાની એક ટ્રક ઈસ્ટર્ન એક્સપ્રેસ-હાઈ-વે પર ઊંધી વળી હતી, જેમાં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘાયલ થયા હતા.