
ગાંધીનગર: જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં અચાનક તૂટી પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. વરસાદને કારણે લેન્ડ સ્લાઈડ થતા સંખ્યાબંધ પ્રવાસીઓ રામબનમાં (Landslide in Ramban) ફસાયા છે. ગુજરાતના પણ 50 જેટલા પ્રવાસીઓ રામબનમાં ફસાયેલા છે. ગુજરાત સરકારે પ્રવાસીઓની સલામતીની ખાતરી કરી છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે ફસાયેલા તમામ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે.
અહેવાલ મુજબ રામબનમાં લેન્ડ સ્લાઇડની ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે રાહત કમિશનરને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત વિભાગનો સંપર્ક કરી ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી. રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ જ્યાં લેન્ડ સ્લાઈડ થયું છે, ત્યાંથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે.
હાલ આર્મીના જવાનોએ ગુજરાતના પ્રવાસીઓને ભોજન અને પાણી વગેરે પહોંચાડ્યું છે. તમામ પ્રવાસીઓ માટે આર્મી કેમ્પમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જરૂર જણાયે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાતને 079 232 51900 પર સંપર્ક કરવો.
આ પણ વાંચો : ભૂસ્ખલનને લીધે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા