સ્પોર્ટસ

હું ક્રિકેટ ન રમ્યો હોત તો સારું થાત: રિસાઈ ગયેલા અઝહરુદ્દીને કેમ આવું બોલવું પડ્યું?

હૈદરાબાદ: એક તરફ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ખરાબ પર્ફોર્મન્સને કારણે દસમાંથી છેક નવમા સ્થાને હોવા બદલ ખૂબ ચર્ચામાં છે ત્યાં બીજી બાજુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશન (HCA)ના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરૂદ્દીન (MOHAMMED AZHARUDDIN)નો વિવાદ ચગ્યો છે. હૈદરાબાદના સ્ટેડિયમના એક સ્ટેન્ડ (STAND) પરથી અઝહરુદીનનું નામ કાઢી નાખવાનો ફેંસલો અપાયો એને કારણે તે ખૂબ નારાજ છે અને તેણે મીડિયામાં કહ્યું છે કે ‘ક્યારેક મને વિચાર આવે છે કે આ દિવસ જોવા કરતા તો હું ક્રિકેટ રમ્યો જ ન હોત તો સારું થાત. હું એચસીએના ચુકાદાની વિરુદ્ધમાં તેલંગણા હાઇકોર્ટમાં જઈશ.’

એચસીએના આચારસંહિતાને લગતા ન્યાયમૂર્તિ વી. ઈશ્વરૈયાએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમના નોર્થ સ્ટેન્ડમાંથી અઝહરુદ્દીનનું નામ દૂર કરવાનો નિર્ણય આપ્યો એને પગલે આ મુદ્દો ચર્ચાસ્પદ થયો છે.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

ન્યાયમૂર્તિએ આ ફેંસલો એક પિટિશનને આધારે આપ્યો હતો. 2019માં (છ વર્ષ પહેલાં) આ અસોસિયેશનની મેમ્બર લોર્ડ્સ ક્રિકેટ ક્લબે પિટિશન નોંધાવી હતી જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અઝહરુદ્દીને 2019માં એચસીએના પ્રમુખ બન્યા પછી એક જ મહિનાની અંદર ગેરકાનૂની રીતે ઍપેક્સ કાઉન્સિલની મીટિંગમાં ભાગ લીધો હતો અને નોર્થ સ્ટેન્ડને પોતાનું નામ આપી દેવાનો ઠરાવ પસાર કરાવ્યો હતો. હકીકતમાં આવો ઠરાવ પસાર કરાવવા માટે જનરલ બૉડીની મંજૂરી જરૂરી હોય છે.’

અઝહર 2019થી 2023 સુધી એચસીએનો પ્રેસિડેન્ટ હતો. 2000ની સાલમાં મૅચ-ફિક્સિંગના આક્ષેપોને પગલે તેની ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન સામે કેસ ભ્રષ્ટાચારનો કેસ દાખલ

અઝહરે પત્રકારોને કહ્યું છે કે તેને એચસીએના નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો છે અને આ ચુકાદો ક્રિકેટની રમતના અપમાન સમાન કહેવાય.

અઝહરે એવું પણ કહ્યું છે કે ‘મને કહેતા દુઃખ થાય છે, પરંતુ કહેવું પડી રહ્યું છે કે આના કરતાં તો હું ક્રિકેટ રમ્યો જ ન હોત તો સારું થાત. જે લોકોને ક્રિકેટની કંઈ સમજ જ નથી એ લોકો બીજા લોકોને શીખવવા અને આગેવાની લેવા હોદ્દા પર બેઠા છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button