શેર બજાર

બેંક શેરોમાં આગ ઝરતી તેજી સાથે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો

નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે બેન્ક શેરોમાં આગ ઝરતી તેજી સાથે સેન્સેક્સમાં ૧૦૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બીએસઈનો બેંચમાર્ક્ સેન્સેક્સ ૧૦૫૦ પોઈન્ટ ઉછળીને ૭૯,૬૦૭પોઇન્ટના સ્તરે પહોચ્યો છે, જયારે નિફ્ટી ૩૩૦ પોઈન્ટથી મોટા ઉછાળા સાથે ૨૪,૨૦૦ પોઈન્ટના સ્તર નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

આ તરફ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોરદાર ઉછાળો આવવાથી નિફ્ટી બેંક ઇન્ડેક્સ 55,000 પોઇન્ટની રેકોર્ડ હાઈ સપાટી વટાવી ગયો છે. ટેરિફ ધ્રુજારીના ઉઝરડાથી હજુ પણ ઝઝૂમી રહેલા બજારમાં, બેંકિંગ પેકએ અદભૂત ઉછાળા સાથે ઇંધણ પૂર્યું છે. સોમવારે, નિફ્ટી બેંક ઇન્ડેક્સ તેના પાછલા રેકોર્ડને તોડીને પ્રથમ વખત 55,000 ની સપાટી વટાવી ગયો હતો, ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ચોથા ત્રિમાસિક પરિણામોને કારણે.બજારનું માનસ તેજીમય બન્યું છે.નાણાકીય પરિણામ ની જાહેરાત પછી આઈસીઆઈસીઆઈ બેંકનો શેર બાવન સપ્તાહની ઉંચી સપાટીએ પહોચ્યો છે, જયારે એચડીએફસી બેંકવે શેરમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેક્સમાં ટોચના વધનારા શેરોમાં ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ, અદાણી પોર્ટ્સ, ITC, ભારતી એરટેલ, ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્મા ટોપ લુઝર્સ રહ્યા હતા.

નિફ્ટી બેંક 55,000ની ઉપરની નવી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકના શેર ચોથા ક્વાર્ટરના નફામાં ૧૮ ટકાની વૃદ્ધિ બાદ બે ટકાથી વધુ ઉછળ્યા છે. યસ બેંકના શેરમાં પાંચ ટકા ઉછાળો હતો.

જ્યારે નફો 12 ટકા ઘટવા છતાં ઇન્ફોસિસના શેર ત્રણ ટકા વધ્યા હતા. ચોથા ક્વાર્ટર પરિણામોની જાહેરાત પછી ટાટા એલેક્સી ના શેરમાં લગભગ પાંચ ટકા તેજી છે, જ્યારે ચોખ્ખો નફો ૩૬ ટકા વધીને રૂ. 158 કરોડ થયા પછી જસ્ટ ડાયલના શેર નવ ટકા ઉછળ્યા છે.

ગ્લોબલ માર્કેટમાં એસ એન્ડ પી ૫૦૦ ફ્યુચર્સ ટોકિયોના સમય પ્રમાણે 12:33 વાગે મુજબ 0.9% ગબડ્યો હતો. એ જ સમયે જાપાનનો ટોપિક્સ 1.4 ટકા ઘટ્યો હતો. જોકે શાંઘાઈ કમ્પોઝિટ 0.3 ટકા વધ્યો હતો.

નોંધવું રહ્યું કે ટ્રેડ વોરનું ગ્રહણ હજુ ટળ્યું નથી. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધે એક નવો વળાંક લીધો છે. ચીને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ અમેરિકા સાથે એવો વેપાર કરાર કરશે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય, તો તે તેને ક્યારેય સ્વીકારશે નહીં અને કડક બદલો લેશે.

ચીન તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે એવા અહેવાલો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઘણા દેશો પર દબાણ કરી રહ્યું છે કે જો તેઓ અમેરિકા પાસેથી ટેરિફ મુક્તિ ઇચ્છે છે, તો તેમણે ચીન સાથે વેપાર મર્યાદિત કરવો પડશે.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. “હા, અમે ચીન સાથે વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે અમે ચીન સાથે ખૂબ જ સારો સોદો કરવા જઈ રહ્યા છીએ.”

પરંતુ ચીન તરફથી હજુ સુધી આ વાતચીતની કોઈ પુષ્ટિ થઈ નથી. તેનાથી વિપરીત, બેઇજિંગે અમેરિકાની નીતિઓને ‘એકપક્ષીય અને સંરક્ષણવાદી’ ગણાવી છે અને ચેતવણી આપી છે કે તે વિશ્વને ‘જંગલના કાયદા’ તરફ ધકેલી દેશે.

આપણ વાંચો:  અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારની વધારા સાથે શરૂઆત; સેન્સેક્સ- નિફ્ટીમાં આટલો ઉછાળો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button