ગીતા મહિમા :આ તપોભૂમિ છે!
-સારંગપ્રીત
ગત અંકમાં દૈવી ગુણોમાં યજ્ઞની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ તેમાં આગળ ‘તપ’નો સમાવેશ કરી રહ્યા છે, તે સમજીએ.
‘ભારતીય સંસ્કૃતિમાં તપને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંસ્કૃતિની ફરફરતી ધજાના મૂળમાં તપ છે એમ કહેવામાં કશું જ અજુગતું નથી. કોઈ પૂછે કે ભારતીય આબોહવા અને પાશ્ચાત્ય વાયરા વચ્ચેનો મુખ્ય ભેદ શું છે?’ ‘બન્ને વચ્ચેનો એક તફાવત શું હોય શકે?’ જો આનો જવાબ એક શબ્દમાં દેવો હોય તો કહી શકાય ‘તપ.’
હા, દુનિયાના અનેક દેશો માટે ‘ભોગભૂમિ’ શબ્દ પ્રયોજાશે પણ શાસ્ત્રો કે મહાપુરુષોએ ભારતની ભવ્ય ભૂમિ માટે ‘તપોભૂમિ’ શબ્દપ્રયોગ કર્યો છે અથવા તો તપોભૂમિ હોવાથી ભારત આજે પણ ‘ભવ્ય’ છે.
સંસ્કૃત ભાષામાં માત્ર એક ગ્રન્થથી શાશ્વત કીર્તિમાન સ્થાપનાર ‘કીરાતાર્જુનીયમ્’ મહાકાવ્યના પ્રણેતા ‘ભારવિ કવિ’ કહે છે કે ‘તપસ્વી માટે કયું કાર્ય સરળ નથી ?!’ એટલે કે બધું જ સરળ છે તો ‘મહાપુરાણ ભાગવતે’ ભગવાનના ઓગણચાલિસ ગુણોમાં ‘તપ:’ શબ્દ કહ્યો છે એટલે કે ‘તપ એ સ્વયં ભગવાનનો ગુણ છે.’
પરંતુ ‘આ તપનાં કેટલા પ્રકાર?’ ને ‘તપથી શું લાભ પ્રાપ્ય છે?’ તો ભગવદ્ગીતાના 17 મા અધ્યાયમાં ત્રણ પ્રકારનાં તપ દર્શાવ્યા છે. ‘પહેલું ‘શારીરિક તપ’ એટલે કે બ્રહ્મચર્ય, વડીલ-જ્ઞાનીનો આદર. બીજુ ‘વાંગ્મય તપ’ એટલે કે વાણી સંબંધી તપ, જેમાં સત્ય, પ્રિય ને હિતકારી વચન જ બોલવું, વેદાદિ શાસ્ત્રાભ્યાસ કરવો ને ત્રીજું ‘માનસિક તપ’ એટલે મનની પ્રસન્નતા, મૌન, આત્મવિનિગ્રહ, ભાવની શુદ્ધિ.’
આપણી સંસ્કૃતિ આપણને શારીરિક તપથી લઈને ભાવની શુદ્ધિ સુધી પહોંચાડે છે. કદાચ શારીરિક તપ તો વ્યક્તિનાં સ્વાસ્થ્ય-શ્રદ્ધા-સ્થિતિ આદિ કારણોથી જુદા-જુદા હોઈ શકે પરંતુ અન્ય બે પ્રકારનાં તપ તો સર્વે માટે અનિવાર્ય છે, જો પોતાનાં ક્ષેત્રમાં સફળ ને સર્વેનાં આદરપાત્ર બનવું હોય તો તપ અનિવાર્ય છે.
આ પણ વાંચો… ગીતા મહિમા : યજ્ઞ ને માનવ જીવન
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રતિવર્ષ ચાતુર્માસમાં ધારણા-પારણા જેવા વ્રત કરતા ને તેઓનો ભોજન પર
સંયમ સાંભળતા તો આજે પણ સૌને આશ્ર્ચર્ય થાય છે.
વર્ષ 1976માં તેઓએ ચાતુર્માસમાં પંદર દિવસ ધારણા-પારણાં કર્યા હતાં, જેમાં એક દિવસ નિર્જળ ઉપવાસ ને બીજા દિવસે ભોજન કરવાનું હોય. 24/7 મી તારીખે પારણા હોવા છતાં સાંજે ચાર વાગ્યા પછી તેઓએ પાણી પણ નહોતું પીધુ તેથી સંતોએ ભોજન જમવા કહ્યું તો તેઓ કહે, ‘આજે ધારણા-પારણાં પૂરાં થઈ ગયાં છે, એટલે જમવું નથી.’ આ સાંભળી સૌએ વિચાર્યું કે ‘કાલે તેઓ કાંઈક ભોજન અવશ્ય ગ્રહણ કરશે.’
25/7/1976 ના દિવસે જ્યારે સંતોએ અલ્પાહાર મૂક્યો તો બાપા કહે, ‘આ બધું કેમ લઈ આવ્યા ? આજે તો ઉપવાસ છે.’ એમ કહી યુક્તિપૂર્વક બે દિવસ જેટલું સવાયુ તપ કરી લીધું. ‘દુનિયામાં ખાવા-પિવામાં યુક્તિ-પ્રયુક્તિ થતી હોય પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તપ કરવામાં યુક્તિ કરતાં. કેવી તપોનિષ્ઠા?!’
ત્યારબાદ વાણી પર સંયમ એ ખૂબ જ મહાન તપ છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી તો કહે છે કે ‘રામાયણ ને મહાભારત યુદ્ધ એ વાણી પરના અસંયમનું ફળ છે.’ હા, રાવણ અને દુર્યોધનની કુત્સિત વાણી યુદ્ધને સળગાવવા જ તત્પર હતી. માટે અવશ્ય વાણી-વિવેક રાખવો ઘટે છે, તેમાં પણ જ્યારે આપણા સદ્વર્તન સામે કોઈ વિના વાંકે આરોપ ઠાલવે ત્યારે શ્વાસ ચાલતા હોવા છતાં મરણ જેવી અનુભૂતિ થાય છે. સ્વયં ગીતાશાસ્ત્ર કહે છે કે ‘પ્રતિષ્ઠિત પુરુષોનું અપમાન એ મરણથી પણ વસમું છે.’
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1966 માં અમદાવાદ હતા ત્યારે ત્યાં મંદિર આવી એક વ્યક્તિએ અણસમજણ કે પૂર્વાગ્રહથી હળહળતું અપમાન કર્યું ને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1976માં એક હોસ્પિટલ મુલાકાત લેતા હતાં ત્યાં એ જ મુરબ્બીની હૃદયરોગની સારવાર ચાલતી હતી. ‘ઈંટનો જવાબ પત્થરથી’ નહીં પણ ‘ઈંટનો જવાબ અત્તરથી’ આપનારા સ્વામી સમય કાઢી તેઓને મળ્યા ને સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી ત્યારે તેઓની પ્રિયવાણી ને પોતા પ્રત્યેની ભાવશુદ્ધિથી એ અપમાન કરનાર પણ રડવા લાગ્યા.
આ પણ વાંચો… ગીતા મહિમા : શેનો ભય છે?સર્વ પ્રકારનાં ભયમાં સૌથી મોટો ભય એ ‘મૃત્યુભય.’
આમ, શરીર-વાણી-મનનું ત્રિવિધ તપ માનવને ત્રિલોકાતીત ને ત્રિગુણાતીત બનાવી દે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત શાસ્ત્રમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં પ્રગટ ગુરુ કે ભગવાનને રાજી કરવા તપ કરવાનો સદુપદેશ આપ્યો છે ને આવા તપથી પ્રસન્ન થઈ એકવાર તેઓ જાળિયા નામે ગામમાં સૌ તપસ્વી પ્રતિ બોલ્યા હતા કે, ‘તમે બહુ તપ કર્યું તે અમે રાજી થયા,’ તો ચાલો, શરીરની શુદ્ધતાથી, વાણીની સભ્યતાથી ને મનની ભવ્યતાથી તપ કરીએ.