વિશેષ: મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે

-રાજેશ યાજ્ઞિક
ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે આટલા ગુણો હોવા છતાં કોઈ મનુષ્યનું પતન કેમ થયું? જવાબ બહુ સરળ છે. મનુષ્ય એક બહુઆયામી પ્રાણી છે. મનુષ્ય જીવનમાં પળે-પળે સંજોગો બદલાય છે. અને સંજોગો પ્રમાણે મનુષ્યમાં વિવિધ ગુણો હોવા જરૂરી છે. ઉદાહરણ તરીકે, ધૈર્ય એ મુશ્કેલ પરિસ્થિતિમાં ગુણ ગણાય છે, પણ આગ લાગી હોય ત્યારે ધૈર્યની નહિ સમયસૂચકતા પૂર્વકની ઉતાવળ જરૂરી હોય છે. ત્યાં ધીરજ ધરીને બેસીએ તો બધું રાખ થઇ જાય! તેથી મનુષ્યમાં પણ અનેક ગુણો હોવા જરૂરી છે. આ વાત ધર્મને પણ લાગુ પડે છે.
ગોસ્વામી તુલસીદાસે લંકાના રણમેદાનમાં જે ધર્મરથનું વર્ણન કર્યું, તેમાં પણ રથના વિવિધ ભાગને મનુષ્યના વિવિધ ગુણો સાથે જોડીને ધર્મના માર્ગ પર વિજય મેળવવા મનુષ્યમાં કયાકયા ગુણો હોવા જોઈએ તે સમજાવ્યું છે. તુલસીદાસજી કહે છે, કે તમે સત્યનું પાલન કરતા હો, તમે સદાચારી હો, તમારામાં બળ હોય, તમે વિવેકી હો, તમે ઇન્દ્રિયોને તમારા વશમાં રાખી હોય, અને પરોપકારી પણ હો. છતાં ધર્મના માર્ગમાંથી ચલિત થઇ શકો છો. કેવી રીતે? તમારા ધર્મ માર્ગમાં દિશા આપનાર રથની ધુરા સમાન સદ્ગુણો જો તમારામાં ન હોય તો. રથની ધુરા સમાન સદ્ગુણો કયા છે, તે સમજાવતા ગોસ્વામીજી કહે છે, ક્ષમા, દયા અને સમતા રૂપી દોરીથી ધર્મનો રથ યોગ્ય દિશામાં જાય છે.
અહીં તુલસીદાસે આગળ બતાવેલા સદ્ગુણો સાથે મનુષ્યમાં કઈ વૃત્તિઓ હોવી જોઈએ તેનો સરસ મેળ બતાવ્યો છે. મનુષ્ય બળશાળી હોય પણ જો તેનામાં ક્ષમાનો ગુણ ન હોય તો એ ઉદ્ધત વર્તન કરવા માંડે. બાણભટ્ટ રચિત હર્ષચરિતમાં કહ્યું છે, ક્ષમા હિ મૂલં સર્વતપસામ. અર્થાત, ક્ષમા સર્વ તપસ્યાનું મૂળ છે. શું કૃષ્ણ બળવાન નહોતા? તેમ છતાં શિશુપાલના સો ગુના માટે ક્ષમા આપવાનું વચન આપ્યું. તેઓ ચાહત તો પહેલી વારમાં જ તેનું મસ્તક ધડથી જુદું કરી શક્યા હોત. પરંતુ તેમણે દંડ કરતા ક્ષમાને પ્રાધાન્ય આપ્યું. ક્ષમા આપવી બહુ અઘરી છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ, એમ ને એમ નથી કહેવાયું. તીર્થંકર મહાવીરે અનેક ઉપસર્ગો સહ્યા અને સર્વને ક્ષમા આપી.
બાકી, અંગૂઠાના સ્પર્શથી મેરુ પર્વત ધ્રુજાવી દેવાની તાકાત હતી. ઈશુ ખ્રિસ્તે પણ યાતનાઓ આપનાર પ્રત્યે ક્ષમાનો ભાવ બતાવતા કહ્યું હતું, કે હે ભગવાન આમને ક્ષમા કરજે. મહાભારતમાં પાંડવોને અનેક અન્યાયો થયા, પણ માતા તરીકે કુંતીએ શ્રાપ ન આપ્યો, પણ અન્યાયોની હદ વટાવી દેનાર કૌરવોની માતા ગાંધારી સત્ય જાણતા હોવા છતાં ક્ષમા ન આપી શક્યા.
જેમ ક્ષમા આપવા માટે હિંમત જોઈએ, તેમ ક્ષમા માંગવા પણ કાળજું હોવું જોઈએ. પોતાનાથી વયમાં, ક્ષમતામાં, શક્તિમાં, સંપત્તિમાં કે પદમાં નાના હોય તેની ક્ષમા કેટલા માગી શકે છે? આપણા ધર્મોમાં ધર્મનું પાલન કરતા થયેલી હિંસા માટે પણ ક્ષમા માગવામાં આવે છે. આવું વિશ્વના કોઈ અન્ય ધર્મમાં જોવા મળતું હોય તેવું ધ્યાનમાં નથી આવતું. જે નિર્બળ હોય એ તો ભયના કારણે ક્ષમા માગી લે કેમકે સામનો કરવાની તાકાત નથી, તેવી રીતે જા, તને ક્ષમા કરું છું એમ પણ કહી દે, કેમકે સામેવાળો બળવાન હોય. પરંતુ, તાકાત હોવા છતાં ક્ષમા આપવાનું મહત્ત્વ અનેરુ છે. કવિ રામધારી સિંહ દિનકર ખુબ સુંદર લખે છે,
‘ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ (વિષ) હો; ઉસકો ક્યા જો દંતહીન, વિષ રહિત વિનીત સરલ હો’
જો ક્ષમા આપતી વખતે મોટાપણાનો ભાવ ન હોય, અને ક્ષમા માગતી વખતે ભૂલનો અહેસાસ હોય તો એ ક્ષમા ઉત્તમોત્તમ કહેવાય. કારણકે એ સંપૂર્ણ સમજદારીપૂર્વક આપેલી કે માગેલી ક્ષમા હોય છે. જે સહન કરી શકે તે ક્ષમા આપી શકે. પોતાનો સ્વાર્થ જોઈને ક્ષમા માગે તે સાચી નથી. જેને અહમ ન હોય તે ક્ષમાનું પાલન કરી શકે, જેનામાં કટુતા ન હોય તે ક્ષમા આપી કે માગી શકે. ક્ષમા માટે આત્મબળની જરૂર હોય છે.
આપણ વાંચો: માનસ મંથન : આત્મચિંતન માટે થોડો સમય રાખો, ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો-મોરારિબાપુ
તુલસીદાસજીએ રથની લગામ તરીકે ક્ષમાને ગણીને જાણેકે આપણને સંદેશ આપ્યો છે કે મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે, નહીંતો બેફામ બનેલો મનનો અશ્વ આત્માના પુણ્યનો કચ્ચરઘાણ કાઢી નાખશે. કોઈપણ નાની કે મોટી ભૂલને અતિતમાં જઈને સુધારવી જ્યારે શક્ય ન હોય, ત્યારે ક્ષમા એકમાત્ર ઉપાય છે, જેનાથી આત્માની ગ્લાનિ દૂર થાય છે, સાથે ભૂલની પુનરાવૃત્તિ અટકાવીને આત્મશુદ્ધિ કરે છે.