
અમદાવાદઃ બે દિવસ પહેલા દિલ્હીમાં ઈમારત પડી જવાથી 11 જણના જીવ ગયા હતા ત્યારે આવી જ ઘટના ગુજરાતના વડોદરામાં પણ બની છે, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે. અહીંના સમતા વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના બની છે. સૂર્યકિરણ નામની બિલ્ડીંગમાં નીચેના માળે કામગીરી ચાલતી હતી અને તે દરમિયાન અચાનક બિલ્ડીંગ ધરાશાયી થતા આસપાસના લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. આ ઈમારતને વડોદરા મહાનગરપાલિકાએ જર્જરિત હોવાની નોટિસ પણ આપી હતી.
હાલ ફાયર વિભાગની રેસ્ક્યૂ કામગીરી ચાલુ
આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણકારી મળતા અમે બચાવકાર્ય માટે દોડી ગયા હતા. હાલમાં ચાર વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેમને હૉસ્પિટલમાં ખસેડ્યા છે.
સૂર્યકિરણ બિલ્ડીંગના કુલ છ પૈકી ત્રણ ફ્લેટ ધરાશાયી થયા છે. હાલમાં જાણવા મળ્યું છે કે નીચે કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા. જોકે કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો… દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ચાર માળની ઇમારત ધરાશાયી! 4 લોકોના મોત, 18નો આબાદ બચાવ
આ અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. નીચેના ફ્લોર પર નવો મકાન માલિક આવતા રિનોવેશન થતું હતું જેના કારણે બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. જોકે ઈમારત જર્જરિત હોવાની નોટિસ આપ્યા બાદ પણ લોકો ત્યાં રહેતા હતા અને રિપેરિંગ કામ પણ થઈ રહ્યું હતું ત્યારે આવી બેદરકારી બદલ જવાબદાર કોણ તે સવાલ છે.