હુથી પર હુમલાનો યુએસ સેનાનો પ્લાન ફરી લીક થયો! સંરક્ષણ સચિવ સામે ગંભીર આરોપ

વોશિંગ્ટન ડીસી: છેલ્લા ઘણા મહિનાઓથી યુએસ યમનના હુથી બળવાખોરો સામે સતત કાર્યવાહી (US attack on Huthis) કરી રહ્યું છે. એવામાં હુથી બળવાખોરો પર હુમલો કરવાની યોજના ફરી એકવાર લીક થઈ ગઈ છે. જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીકના લોકો પર આરોપ લાગી રહ્યા છે. એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે (Pete Hegseth) સિગ્નલ મેસેજિંગ એપ પર હુથીઓ પર હુમલો કરવાનો પ્લાન લીક કર્યો હતો.
સંરક્ષણને લગતી સંવેદનશીલ માહિતી લીક થવી ખુબ જ ગંભીર બાબત છે. સિગ્નલ પર યમનના હુથી બળવાખોરો સામે કાર્યવાહી માટેના યુએસ આર્મીના પ્લાન વિશે સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપ પીટ હેગસેથ પર લાગી રહ્યા છે.
હેગસેથે આ માહિતી એક પ્રાઈવેટ સિગ્નલ ગ્રુપમાં શેર કરી હતી, જેમાં તેમની પત્ની જેનિફર રૌચેટ હેગસેથ, ભાઈ ફિલ હેગસેથ અને અંગત વકીલ ટિમ પાર્લાટોર સહિત લગભગ અન્ય ઘણા લોકો જોડાયેલા છે. આ ગ્રુપનું નામ ડિફેન્સ ટીમ હડલ હતું. પીટ હેગસેથે આ ગ્રુપ જાન્યુઆરી 2025માં બનાવ્યું હતું. આ ચેટ માટે, હેગસેથે કોઈ સરકારી ડિવાઈસીનો ઉપયોગ કર્યો ન હતો પરંતુ પોતાના અંગત ફોનનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો… જો આ જગ્યાએ ગયેલા હશો તો અમેરિકા નહીં આપે વિઝા! ટ્રમ્પે લાગુ કર્યો નવો નિયમ
અગાઉ પણ માહિતી લીક થઇ હતી:
નોંધનીય છે કે માર્ચની શરૂઆતમાં, સિગ્નલ એપ પર સંવેદનશીલ માહિતી લીક થવાનો ખુલાસો થયો હતો. એ સમયે પણ હુથી બળવાખોરો પર હુમલાનો પ્લાન ચેટ પર લીક થયો હતો. ધ એટલાન્ટિક મેગેઝિનના એડિટર જેફરી ગોલ્ડબર્ગને ભૂલથી સિગ્નલ ગ્રુપ ચેટમાં ઉમેરવામાં આવ્યા, ત્યાર બાદ આ ખુલાસો થયો હતો.