દેવર્ષિ, રાજ્ય કારમા દુકાળથી ત્રસ્ત છે, પણ તમે જો સૂચન આપો તો…

શિવ રહસ્ય -ભરત પટેલ
કૈલાસ ખાતે માતા પાર્વતી કહે છે, ‘સ્વામી તમારી કૃપાથી માનવી ધારે તો દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે છે, તો તમે તેમને એવી સદ્બુદ્ધિ આપો કે તેઓ દાનવ ન બને.’ તો ભગવાન શિવ કહે છે, ‘મારી કૃપા અને વરદાન મેળવી માનવી પોતાની પ્રકૃત્તિ પ્રમાણે વર્તે છે, તેને દાનવ બનતાં હું કેમ રોકી શકું. હું તમને મારા બે ભક્તની કથા કહીશ, એક ભક્ત પોતાનું સમગ્ર જીવન સમાજ ઘડતર અને ગૌસેવામાં વિતાવે છે જ્યારે બીજો ભક્ત પોતાના સ્વાર્થ માટે સમાજને કેટલું નુકસાન પહોંચાડે છે તે તમને જ્ઞાત થશે. મારો પ્રખર ભક્ત એટલે મૂળનાથ અલકાપુરીના પદ્મ સરોવરના કિનારે નિવાસ કરે છે. તેણે પંચાક્ષર મંત્રના જાપ દ્વારા અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સિદ્ધિઓમાં અનેરી એવી પરકાયા પ્રવેશ પણ છે. એક દિવસ મૂળનાથે અસંખ્ય ગાયોને ભાંભરતી અને આંસુ સારતી જોઈ. ગાયોની વચ્ચે જતાં જોયું કે એ ગાયોનો રખેવાળ ગોવાળિયો ત્યાં મૃત્યુ પામ્યો હતો, આટલું દયામણું દૃશ્ય નિહાળી મૂળનાથે પરકાયા પ્રવેશ કરવાની જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે અજમાવવા દૃઢ સંકલ્પ કર્યો અને તે ગોવાળિયાની કાયામાં પ્રવેશ કરે છે. પોતાના રખેવાળને ફરી ઊભેલો જોઈ ગૌમાતાઓ આનંદિત થઈ ઉઠી. ઘરે પહોંચતા જ ગોવાલણી દલી ભોજન પીરસે છે અને પૂછે છે કે, ‘આજે કેમ તમે અલગ અલગ લાગો છો, તમારો સ્વર પણ બદલાયેલો કેમ લાગે છે?’ ગોવાળિયાના વેશમાં મૂળનાથ કહે છે, ‘આજે હું ખૂબ જ થાકી ગયો છું, મારે વિશ્રામ કરવો છે. તારે જે કહેવું હોય તે કાલે કહેજે.’ ગોવાલણ દલીએ પોતાની હઠ ચાલુ રાખી, મન ભરીને તમને ભેટવાનું મન થયું છે એમ કહી ગોવાલણ દલી આલિંગન આપવા આગળ વધી. ગોવાળિયો ‘અરે! શિવશંભો… શિવશંભો કહેતા મૂળનાથ પથારીમાંથી ઊભો થઇ ડેલી તરફ દોડયો. ગોવાળિયાની મનસ્થિતિનો તાગ ન મળતાં ગોવાલણ દલી રાત્રે પોતે ઓરડામાં સૂતી અને ગોવાળને ઓસરીમાં ખાટલો પાથરી આપ્યો. મૂળનાથે આખી રાત ‘ૐ નમ: શિવાય’નો જાપ કર્યો, તેને ઊંઘ આવતી નહોતી કે હવે પરકાયા પ્રવેશની વાત ગોવાલણ દલીને કઈ રીતે કહેવી. મૂળનાથ આખરે બધી હકીકત ગોવાલણ દલીને કહી સંભળાવી અને ત્યાંથી પેલા એકાંત સ્થળે જ્યાં પોતાનું શરીર મૂકયું હતું ત્યાં ગયો પણ તેને પોતાનું શરીર ન મળ્યું. ભગવાન શિવે તેને આકાશવાણી દ્વારા આદેશ આપ્યો કે , ‘દૂર પૂર્વ દિશામાં એક અપૂજ્ય શિવમંદિર છે તે ખંડિયેર અવસ્થામાં છે એ મંદિરનો ર્જીણોધ્ધાર કર અને ગૌસેવામાં જીવન વ્યતીત કર.’ ભગવાન શિવનો આદેશ સ્વીકારી પૂર્વ દિશામાં આવી એ ખંડિયેર મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો અને અનેક ગૌશાળા બનાવી હજારો ગૌમાતાની સેવામાં જીવન વ્યતીત કર્યું.
વૃદ્ધાવસ્થામાં અંત સમયે મૂળનાથે પીપળાના વૃક્ષ નીચે સમાધી લગાવી, પંચાક્ષરી મંત્રનો જાપ કરી પરકાયા પ્રવેશ કરેલ ગોવાળના શરીરનો ત્યાગ કર્યો અને કૈલાસ લોકને પામ્યો.
માતા પાર્વતી: ‘સ્વામી તમે તમારા એક ભક્ત મૂળનાથની કથા તો સંભળાવી હવે તમારા બીજા ભક્તની કથા સંભળાવો.’
ભગવાન શિવ: ‘મારા બીજા ભક્ત છે શુક્રાચાર્ય, તમે એમના વિશે બધું જ જાણો છો. તેમણે પોતાનું પદ અને મહત્ત્વકાંક્ષાને એટલું મહત્ત્વ આપ્યું છે કે તેની કોઈ સીમા નથી. હજારો વરસ અગાઉ તેમણે મારી આરાધના કરી મૃતસંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. દેવાસુર સંગ્રામમાં તેમણે મૃતસંજીવની વિદ્યાના પ્રયોગથી લાખો અસુરોને જીવિત કર્યા હતા, મૃતસંજીવની વિદ્યાનો ખોટો ઉપયોગ થતાં અંતે મૃતસંજીવની વિદ્યા પણ મૃત પામી હતી, તેમની મહત્ત્વકાંક્ષાથી હજારો અસુર ઉત્પન્ન થયા અને એ હજારો અસુરનો વિનાશ પણ થયો, જો તેમણે પોતાની વિદ્યાનો ઉપયોગ સંસારના ઉત્થાન માટે કર્યો હોત તો તેઓ આજે સંસારમાં દેવ તરીકે પૂજાતા હોત.
ભગવાન શિવ અને માતા પાર્વતી કાશી જવા નીકળી પડે છે, આકાશ માર્ગે આગળ વધતાં તેઓ કનોજ પહોંચે છે. ગઢવાલની રાજકુમારી વલ્લભા માતા પાર્વતીના સહેલી હતાં. બંને વચ્ચે અનન્ય મૈત્રી. વલ્લભાના લગ્ન કનોજના રાજા યશધવલ સાથે થયાં હતાં. કનોજ રાજ્ય જોતાં જ માતા પાર્વતી મૈત્રી વલ્લભાને મળવા ઉત્સુક થાય છે અને સખી વલ્લભાને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
ભગવાન શિવ: દેવી, તમારી સખી તો શક્તિસંપન્ન રાજ્યની મહારાણી છે, એ તમને યોગ્ય માન-પાન આપશે?’
માતા પાર્વતી: ‘ચોક્કસ સ્વામી, મારી સખી આપણને 2-4 દિવસ રોકી જ લેશે.’
માતાની ઇચ્છાને માન આપી ભગવાન શિવ કનોજના રાજમહેલમાં પધારે છે. માતા પાર્વતી અને ભગવાન શિવને જોઈ કનોજ નરેશ યશધવલ શાહી સન્માન સાથે તેમનું સ્વાગત કરે છે. સખી દ્વારા કંઈપણ ન કહેતાં માતા પાર્વતી પોતાના પતિ ભગવાન શિવ સાથે ત્યાં બેચાર દિવસ રોકાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. વલ્લભાએ માતા પાર્વતીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, ‘સખી તારો પતિ જોગી છે, તેનો ભયંકર વેશ નિહાળી સૌ કોઈ મારી મશ્કરી ઉડાવશે, માટે તું કનોજમાં બેચાર દિવસ રોકાવાનો વિચાર માંડી વાળ અને સત્વરે કનોજ છોડી દે તો સારું.’
પોતાની વ્હાલસોયી સખીના મુખે શિવનિંદા સાંભળીને માતા પાર્વતીનો ક્રોધ ભભૂકી ઊઠે છે, તેમણે પોતાના પગની માછલી ત્યાં ઉતારીને ચૂપચાપ ફેંકી દીધી અને તે જ ક્ષણે કનોજ છોડીને ચાલ્યાં ગયાં.
માતા પાર્વતી અને ભગવાન શિવના ગયા પછી કનોજનગરી પર વિપત્તીના વાદળો છવાયાં. વર્ષાઋતુમાં વાદળો ઘેરાય, પવન ફૂંકાવા માંડે પણ વાદળો વરસ્યા વિના વિખેરાય જાય. ચોતરફ દુષ્કાળના ઓળા છવાઈ ગયાં. કૂવા, તળાવ, નદી, નાળા સાવ સૂકાઈ ગયાં. ભયંકર ગરમીને લીધે કનોજ રાજ્યની
ધરતી પર તિરાડો પડવા લાગી. લોકો હિજરત કરવા માંડતા લગભગ અડધું કનોજ ખાલી
થઈ ગયું.
રાજા યશધવલ પોતાના રાજ્યની આવી પરિસ્થિતિ જોઈને ચિંતાગ્રસ્ત બની ગયાં. તેમણે આદેશ આપ્યો કે રાજ્યના બધા પંડિતો અને બુદ્ધજીવીઓ રાજસભામાં આવતીકાલે હાજર થાય. આદેશ થતાં જ બીજે દિવસે રાજ્યના બધા જ પંડિતો અને બુદ્ધજીવીઓ હાજર થઈ ગયા.
રાજા યશધવલ: ‘આપણા રાજ્યના બુદ્ધજીવીઓ અને પંડિતોનું રાજસભામાં સ્વાગત છે. ઘણા સમયથી રાજ્યમાં વરસાદ પડયો ન હોવાથી દુકાળ પડયો છે, રાજય ઘેરા સંકટમાંથી બહાર આવે તેવું સૂચન કરશો તો તમારી મહેરબાની થશે.’
એક પંડિત: ‘મહારાજ , આપણે દુકાળનો અંત લાવવા વરુણદેવને પ્રસન્ન કરવા જોઈએ, તેમના યજ્ઞ કરવા જોઈએ.’
એક બાદ એક રાજ્યના પંડિતો અને બુદ્ધજીવીઓની ઇચ્છા હતી કે મહારાજ વરુણ દેવને પ્રસન્ન કરવા યજ્ઞનું આયોજન કરે. તેમના સૂચનનો સ્વીકાર કરી રાજા યશધવલ 1001 કુંડી યજ્ઞનું આયોજન કરે છે. યજ્ઞ પૂર્ણ થઇ ગયાં પણ વરસાદ વરસ્યો જ નહીં. સંપૂર્ણ રાજ્યને કારમા દુકાળે ઘેરી લીધું.
દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થતા હતા તેમણે જોયું કે કનોજ રાજ્ય દુકાળથી ત્રસ્ત છે. તેમણે પોતાની યોગવિદ્યાથી જાણી લીધું કે કનોજ રાજ્યમાં દુકાળ કેમ પડયો છે. તેઓ રાજા યશધવલ પાસે આવે છે.
રાજા યશધવલ: ‘દેવર્ષિ નારદનું સ્વાગત છે, પણ દેવર્ષિ રાજ્ય કારમા દુકાળથી ત્રસ્ત છે, તમે જો સૂચન આપો તો રાજયનો આ દુકાળ દૂર થાય.’
દેવર્ષિ નારદ: ‘હે રાજન! તારી પત્ની વલ્લભાએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો આતિથ્યસત્કાર કર્યો ન હતો અને શિવનિંદા કરી હતી. એટલે ત્યારથી તમારા રાજયની
દશા બેસી ગઈ છે. અહીંથી ઉત્તર દિશા
તરફ કૈલાસ પર ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ નામના બે હિમાચ્છાદિત બરફથી ઢંકાયેલા શિખરો છે. આ બંને શિખરો પરથી નીકળતી ધારા જ્યાં નદીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યાં વિશાળ શિલા પર હવનકુંડ છે. એ હવનકુંડમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જો તું હવન કરીશ તો તારા રાજ્ય પર આવી પડેલું સંકટ દૂર થશે, ભરપૂર વરસાદ વરસશે, જાઓ તમારું કલ્યાણ થાઓ.’
દેવર્ષિનું સૂચન સાંભળી રાજા યશધવલ મહામંત્રીને આદેશ આપે છે કે, મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો અને પ્રજાજનો ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ શિખરો
પર પહોંચે ત્યાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. (ક્રમશ:)