રાજ-ઉદ્ધવ ઠાકરે એક થવાના સવાલ અંગે એકનાથ શિંદેએ શું આપ્યો જવાબ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ઠાકરે બંધુ એક થવાની વાતને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે દરેક રાજકારણીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે તાજેતરમાં એક પત્રકારે એકનાથ શિંદેને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચેના સમાધાનની વાતો પર પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું, પરંતુ આ પ્રશ્ન સાંભળીને શિંદે ગુસ્સે થઈ ગયા અને તેમણે પ્રશ્ન ટાળીને રિપોર્ટરને સરકારના કામ વિશે વાત કરવા કહ્યું હતું.
નાના નાના ઝઘડાઓ ભૂલી જવા તૈયાર
રાજ ઠાકરેએ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને અવિભાજિત શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી. આ નિવેદન પછી સમાધાનની અટકળો શરૂ થઈ ગઈ. રાજ ઠાકરેએ કહ્યું કે પ્રશ્ન એ છે કે શું ઉદ્ધવ તેમની સાથે કામ કરવા માંગે છે. એક તરફ, મનસેના વડાએ કહ્યું છે કે ‘મરાઠી માણુસ’ના હિતમાં એક થવું મુશ્કેલ નથી, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તેઓ નાના ઝઘડા ભૂલી જવા તૈયાર છે,
વિધાનસભાની ચૂંટણીમાં મનસેનું ખાતુ ખૂલ્યું જ નહીં
જો કે મહારાષ્ટ્રના હિતોની વિરુદ્ધ કામ કરનારાઓને પસંદગી આપવામાં ન આવે. પોતાના પિતરાઈ ભાઈનું નામ લીધા વિના, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ચોરો’ને મદદ કરવાથી કંઈ મળશે નહીં. તેમનો સ્પષ્ટ ઈશારો ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના તરફ હતો. નોંધનીય છે કે તાજેતરમાં રાજ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. શિવસેનાથી અલગ થઈને રાજ ઠાકરેએ મનસેની સ્થાપના કરી જેણે શરૂઆતમાં ઉત્તર ભારતીયો સામે કડક વલણ અપનાવ્યું હતું, પરંતુ 2009ની વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠક જીત્યા પછી, મનસેના વળતા પાણી થયા. 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેમનું ખાતું પણ ખુલ્યું નહોતું. શિવસેનાના ઘણા હિતેચ્છુઓ આજે પણ માને છે બંને ભાઈઓએ એક થવું જોઈએ.
એકસાથે આવવાની કોઈ જાહેરાત કરી નથીઃ સંજય રાઉત
મનસેના રાજ ઠાકરે અને શિવસેના-યુબીટીના ઉદ્ધવ ઠાકરે એમ બન્ને પિત્રાઇ ભાઇઓ એકસાથે આવવાની અટકળોએ જોર પકડ્યું છે ત્યારે શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું હતું બન્ને પક્ષો એક સાથે આવવા અંગે હજી કોઇ જાહેરાત કરાઇ નથી, પરંતુ તેમની વચ્ચે ‘લાગણીશીલ ચર્ચા’ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. ઉદ્ધવે મનસે સાથે હાથ મિલાવવા માટે પૂર્વશરતો તૈયાર કરી નથી. હજી પક્ષ સાથે આવે તેની જાહેરાત કરાઇ નથી, પરંતુ તેમની વચ્ચે ચર્ચાઓ શરૂ છે, એમ રાઉતે વધુમાં જણાવ્યું હતું. તેઓ (રાજ અને ઉદ્ધવ) કુટુંબના પ્રસંગોમાં મળતા હોય છે. તેઓ ભાઇઓ છે, એમ તેમણે કહ્યું હતું. ચૂંટણી માટેનું જોડાણ એ બહુ દૂરની વાત છે, પણ મરાઠી ભાષા અને રાજ્યના લોકો માટે મનસેના આંદોલનને શિવસેના-યુબીટી દ્વારા ટેકો આપવામાં આવે છે, એમ રાઉતે કહ્યું હતું.
આપણ વાંચો : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું