બાંગ્લાદેશમાં ભારત ‘વિરોધી’ ષડયંત્ર: આ હરકતને કારણે વધાર્યું ટેન્શન

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના તેના સંબંધો બગડી રહ્યા છે. હવે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલ છે. બાંગલાદેશ દક્ષિણ ત્રિપુરામાં મુહુરી નદી પાસે બીજો તટબંધ એટલે કે પાળો બનાવી રહ્યું છે. જેના કારણે સરહદી શહેરોમાં પૂરનું જોખમ વધી ગયું છે. બેલોનિયા સીપીએમના ધારાસભ્ય દીપાંકર સેને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
સરહદની નજીક જ થઈ રહ્યું છે નિર્માણ
અહેવાલો અનુસાર નદી પર બનાવવામાં આવી રહેલો આ પાળો દોઢ કિલોમીટર લાંબો અને 20 ફૂટ ઊંચો છે. ધારાસભ્ય દીપાંકર સેને કહ્યું કે ઇન્દિરા મુજીબ સમજૂતી અનુસાર કોઈપણ દેશને સરહદથી 150 ગજ એટલે કે 136.5 મીટરની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાની મંજૂરી નથી. આ સમજૂતી બાદ પણ સરહદથી માત્ર 50 ગજ એટલે કે 45.5મીટરના અંતરે અને કેટલીક જગ્યાએ 9 મીટરના અંતરે બનાવવામાં આવી રહ્યા છે. આ સમજૂતીને કારણે જ બાંગ્લાદેશના વાંધાને પગલે દક્ષિણ ત્રિપુરાના વિસ્તારોમાં ઘણા પ્રોજેક્ટ્સ પણ બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે? બાંગ્લાદેશે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો
એસપીની તપાસમાં મુદ્દો સામે આવ્યો
મુખ્ય પ્રધાન કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે તેઓ આ મામલે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન જ હવે દક્ષિણ ત્રિપુરાના એસપીએ કહ્યું છે કે તેમની તપાસમાં આ મામલો ધ્યાનમાં આવ્યો છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે. પરંતુ હાલમાં કોઇ સમસ્યા નથી. ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક મુહુરી નદીના કિનારે આવેલા શહેરોમાં રહેતા ઓછામાં ઓછા 500 પરિવારોને આ આડબંધ પાળાના નિર્માણને કારણે ચોમાસાના પૂરનો ભય રહેલો છે.
શેખ હસીનાના રાજીનામા બાદ સંબંધો બગડ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં, બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના બિરલ ઉપજિલ્લામાં ભાવેશ ચંદ્ર રોય નામના એક વ્યક્તિનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેને માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.