સ્પોર્ટસ

શૂટિંગ વર્લ્ડકપમાં અર્જુન બાબુતાએ જીત્યો સિલ્વર મેડલ, ભારત મેડલ ટેલીમાં ત્રીજા સ્થાન પર

લીમા (પેરુ): પેરિસ ઓલિમ્પિકમાં રમી ચૂકેલા ભારતીય શૂટર અર્જુન બાબુતા અહીં આઇએસએસએફ વર્લ્ડ કપમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવવાથી ચૂકી ગયો છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે આર્યા બોરસે મહિલાઓની ઇવેન્ટમાં પાંચમા સ્થાને રહી હતી. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર બાબુતા (252.3) રોમાંચક ફાઇનલમાં ચીનના ગત ઓલિમ્પિક ચેમ્પિયન શેંગ લિહાઓ (252.4) સામે માત્ર 0.1 પોઈન્ટથી હારી ગયો હતો.

વર્લ્ડ કપમાં 40થી વધુ મેડલ જીતનાર હંગેરિયન શૂટર ઇસ્તવાન પેનીએ કુલ 229.8 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઘણા સ્ટાર શૂટર્સ ફાઇનલમાં પહોંચ્યા હતા જેમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેન, નોર્વેના જોન-હરમન હેંગ અને ભારતના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન રુદ્રાક્ષ પાટિલનો સમાવેશ થાય છે.

ભારત પાસે બે મેડલ જીતવાની તક હતી પરંતુ કમનસીબે ટેકનિકલ ખામીને કારણે જ્યુરી દ્વારા પાટીલને તેમનો 11મો શોટ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ રીતે આ ભારતીય શૂટર પ્રથમ એલિમિનેશન સ્ટેજમાં હારી ગયો અને આઠમા સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં બાબુતા અને પાટીલ બંનેએ સમાન 10.1 સાથે મજબૂત શરૂઆત કરી હતી. પાટીલે ગયા અઠવાડિયે બ્યૂનસ આયર્સમાં રમાયેલા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે નસીબ તેનો સાથ ન આપતું અને તેને ફાઇનલમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

પાટીલના બહાર નીકળવા છતાં બબુતાએ શાંત રહીને 14મા શોટ પછી પહેલી વાર લીડ મેળવી. આ પછી શેંગે સારી વાપસી કરી હતી. એક સમયે બાબુતા પાસે 0.3 પોઈન્ટની પાતળી લીડ હતી, પરંતુ ચીની શૂટરે 10.9 પોઈન્ટ મેળવીને લીડ મેળવી લીધી. બાબુતાનો 10.5નો અંતિમ સ્કોર લીડ પાછી મેળવવા માટે પૂરતો ન હતો, કારણ કે શેંગે 10.3 સાથે ગોલ્ડ મેડલ પર મહોર મારી હતી.

ક્વોલિફિકેશનની શરૂઆતમાં બાબુતાએ પ્રથમ રિલેમાં 631.9નો મજબૂત સ્કોર બનાવ્યો હતો જ્યારે શેંગે 635.0 સાથે આરામથી ઇવેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પાટીલે બીજા રિલેમાં 632.0 ના સ્કોર સાથે ગ્રુપનું નેતૃત્વ કર્યું અને એકંદરે ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારતના હૃદય હજારિકા ફાઇનલમાં સ્થાન મેળવવાથી માંડ માંડ ચૂકી ગયા અને 629.3 ના સ્કોર સાથે 10મા સ્થાને રહ્યા હતા.

શનિવારે આઇએસએસએફ વર્લ્ડ કપ સર્કિટના બીજા તબક્કામાં 10 મીટર એર રાઇફલ મહિલા ઇવેન્ટમાં આર્યાએ 633.9ના શાનદાર સ્કોર સાથે પાંચમું સ્થાન મેળવ્યું અને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. તેણીએ વર્તમાન જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન અને ગોલ્ડ મેડલિસ્ટ ચીનની વાંગ ઝીફેઈને પાછળ છોડી દીધી હતી. આ સમયગાળા દરમિયાન ચીની શૂટરે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા હતા.

આપણ વાંચો : મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button