મેડિકલ કૉલેજમાં પ્રવેશને નામે બે જણ સાથે 77.61 લાખની છેતરપિંડી: છ સામે ગુનો
બન્ને ફરિયાદીને નેરુળની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં એડ્મિશનના બોગસ દસ્તાવેજો આપવામાં આવ્યા

થાણે: નવી મુંબઈની મેડિકલ કૉલેજમાં મૅનેજમેન્ટ ક્વોટામાં પીજી કોર્સ માટે સીટ ફાળવવાને નામે છત્તીસગઢ અને બેંગલુરુના બે જણ પાસેથી 77.61 લાખ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે નવી મુંબઈની નેરુળ પોલીસે છ જણ વિરુદ્ધ બે અલગ ગુના નોંધ્યા હતા.
છત્તીસગઢના 59 વર્ષના રહેવાસીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે છ આરોપીએ તેની દીકરીને નેરુળની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં જનરલ સર્જરી કોર્સમાં પોસ્ટગ્રેજ્યુએટ માટેની સીટ મેળવી આપવાની ખાતરી આપી હતી.
આપણ વાંચો: સાયબર છેતરપિંડી ‘હેલ્પલાઇન’: ફરિયાદનો આંકડો એક લાખને પાર, ફરિયાદીઓના કેટલા રુપિયા બચ્યા?
આ માટે મે, 2022થી ડિસેમ્બર, 2023 દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી 1.27 કરોડ રૂપિયા લીધા હતા. બાદમાં ફરિયાદીને એડ્મિશન ક્ધફર્મેશન મેસેજીસ, જોઈનિંગ લેટર અને કૉલેજના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા, જે બોગસ હોવાનું જણાયું હતું, એમ નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
જોકે બાદમાં કૉલેજ એડ્મિશન અંગે ફરિયાદીએ પૂછતાં આરોપીએ 85 લાખ રૂપિયા પાછા આપ્યા હતા, જ્યારે બાકીના 42 લાખ રૂપિયા તે ચૂકવી શક્યા નહોતા. વારંવાર માગણી કરવા છતાં ફરિયાદીને બાકીની રકમ ન મળતાં તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આરોપીએ પ્રવેશ સંબંધી લેટર આપવા માટે કૉલેજના બોગસ લેટરહેડનો ઉપયોગ કર્યો હતો. એ લેટર કાયદેસરનો હોવાનું દર્શાવી ફરિયાદીને ગેરમાર્ગે દોર્યો હતો. આ નિયોજનબદ્ધ કાવતરું હોવાનું સૂચવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ જ રીતે છેતરપિંડી કરવાનો બીજો કેસ પણ પોલીસ સમક્ષ આવ્યો હતો, જેમાં પહેલા કેસના છમાંથી ત્રણ આરોપી સંડોવાયેલા હોવાનું જણાયું હતું. બીજા કેસમાં બેંગલુરુના 54 વર્ષના રહેવાસીના ભત્રીજાને નેરુળની જ કૉલેજમાં એમડી એનેસ્થેસિયા કોર્સમાં પ્રવેશની ખાતરી આપી 35.61 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
બેંગલુરુના રહેવાસી પાસેથી મે, 2022થી ડિસેમ્બર, 2023 દરમિયાન નાણાં પડાવવામાં આવ્યાં હતાં. આરોપીઓએ ફરિયાદી પાસેથી શરૂઆતમાં 50 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ માત્ર 4.39 લાખ રૂપિયા જ પાછા આપ્યા હતા. બાદમાં ફરિયાદીના કૉલ્સ રિસીવ કરવાનું બંધ કર્યું હતું અને મેસેજના પણ કોઈ જવાબ આપ્યા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ બેંગલુરુના ફરિયાદીને પણ બોગસ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. એ સિવાય બોગસ યુનિવર્સિટી લેટર પણ અપાયો હતો. આ દસ્તાવેજો ખરા હોવાનું દર્શાવવા તેને ધ્યાનપૂર્વક બનાવવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસે શુક્રવારે બે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)