
બક્સર: બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. રાહુલ ગાંધી ત્રણ વખત બિહારના પ્રવાસે આવી ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બક્સર પહોંચ્યા હતા અને દલસાગર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘જય બાપુ, જય ભીમ, જય બંધારણ’ રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારને આડે હાથ લેતા કહ્યું હતું કે આ જોડી ફક્ત ખુરશી માટે છે, બિહારના વિકાસ માટે નહીં.
જેડીયુ-ભાજપનું ગઠબંધન તકવાદી
જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે જેડીયુ-ભાજપનું ગઠબંધન તકવાદી છે. નીતિશ ફક્ત ખુરશી માટે પક્ષ બદલે છે. બિહારના લોકોએ નીતિશ કુમારને પૂછવું જોઈએ કે 18 ઓગસ્ટ 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર માટે જે 1.25 લાખ કરોડ રૂપિયાના પેકેજનું વચન આપ્યું હતું તેનું શું થયું? મોદીજી જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. તેમણે લોકોને આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA સરકારને સત્તા પરથી દૂર કરવા અને મહાગઠબંધનના પક્ષોને મત આપવા અપીલ કરી હતી.
BJP અને RSSનું ષડયંત્ર

ખડગેએ આરોપ લગાવ્યો હતો કે દલિત, આદિવાસી, પછાત વર્ગ અને ખેડૂતોને બરબાદ કરવા માટે તેઓ એક થયા છે. આરએસએસ અને ભાજપ ગરીબો અને ખેડૂતોના મિત્ર ન હોઈ શકે. વક્ફ સુધારા કાયદાનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે તે ભાજપ અને આરએસએસનું ષડયંત્ર સમુદાયોમાં વિભાજન કરાવવાનું છે. તેમણે દાવો કર્યો કે આરએસએસ, ભાજપ સમાજના નબળા વર્ગોના કલ્યાણના પક્ષમાં નથી.
નેશનલ હેરાલ્ડ કેસની કરી વાત

આ સાથે તેમણે નેશનલ હેરાલ્ડ કેસની વાત કરતાં કહ્યું હતું કે જવાહરલાલ નહેરુએ નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર કાઢ્યું હતું અને આજ તે જ પત્રના ડાયરેક્ટર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હું પોતે છું. ઇડીની ચાર્જશીટ દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને ડરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ એક જૂનો વીડિયો બતાવીને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે પીએમ મોદીએ 12 જૂઠાણા ફેલાવ્યા હતા. જેમાં દર વર્ષે 2 કરોડ નોકરીઓ, કાળું નાણું, ખેડૂતોની આવક બમણી કરવી, MSP ગેરંટી, દરેક ગરીબ વ્યક્તિ માટે ઘર સહિત અનેક વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો : રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે, બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ