આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતને વધુ એક તાલુકો મળી શકે છે, વિધાનસભાના અધ્યક્ષે આપ્યા સંકેત…

વાવ-થરાદઃ ગુજરાતમાં થોડા સમય પહેલા જ એક નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નવા જિલ્લાની જાહેરાત થતા દિયોદર, કાંકરેજ, ભાભર, ધાનેરા સહિત અનેક તાલુકાના લોકોએ વિરોધ કર્યો હતો. આ લોકોને વાવ-થરાદ જિલ્લો વધારે દૂર પડતો હોવાથી વિરોધ નોંધાવ્યો હતો, જો કે, તેમાં વિરોધ કરવાનું કોઈ ખાસ પરિણામ સામે આવ્યું નહોતું. હવે આ દરમિયાન અત્યારે વાવ-થરાદ જિલ્લા મુદ્દે એક નવા સમાચાર સામે આવ્યાં છે.

શું વાવ-થરાદ જિલ્લામાં નવો તાલુકો બનશે?
વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામ પંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ‘રાહ’ને તાલુકો બનાવવામાં આવશે તેવા સંકેતો આપ્યા હતા. શંકર ચૌધરીએ ફરી એકવાર રાહ ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગ દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. મહત્વની વાત એ છે કે, શું નવો તાલુકો બનશે? વિભાજનની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા કરતા વધારે તાલુકા વાવ-થરાદમાં રાખવામાં આવ્યાં છે તો પછી નવા તાલુકાના સંકેત શા માટે?

થોડા દિવસોમાં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશેઃ શંકર ચૌધરી
આ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે થરાદનો વિકાસ કરવામાં આવ્યો છે. રાહના સંકેતો આપતા કહ્યું કે, જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું પડેને. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવા તાલુકાના સંકેતથી લોકોએ ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. વિવાદો વચ્ચે બનાસકાંઠાનું વિભાજન થયું અને વાવ-થરાદ જિલ્લો બન્યો પરંતુ શું હવે રાહને નવો તાલુકો બનાવવામાં આવશે? તે જોવું રહ્યું.

બનાસકાંઠાનું નામ નિકળી ગયું, આ જિલ્લામાં છે સૌથી વધારે તાલુકા
ગુજરાતમાં કુલ 252 તાલુકા આવેલા છે. આ 252 તાલુકા 33 જિલ્લાઓમાં વહેંચાયેલા છે. ખાસ કરીને વાત કરવામા આવે તો પહેલા બનાસકાંઠા સૌથી વધારે 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો. પરંતુ જિલ્લાનું વિભાજન થયા બાદ અત્યારે બનાસકાંઠામાં માત્ર 6 તાલુકા છે, જ્યારે વાવ-થરાદમાં કુલ 8 તાલુકાઓ છે, અને હવે નવામો તાલુકો બનાવાના સંકેતો મળ્યાં છે. હવે સૌથી વધારે તાલુકાઓ ધરાવતા જિલ્લામાં રાજકોટ અને અમરેલીનું નામ છે. રાજકોટ અને અમરેલીમાં 11-11 તાલુકાઓ છે. જ્યારે સૌથી ડાંગ અને પોરબંદરમાં ઓછા 3-3 જ તાલુકા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button