ઉત્સવ

ઝબાન સંભાલ કે : ઈનામમાં હાથી ને અસવારીમાં ગધેડું

હેન્રી શાસ્ત્રી-

હાથી અને ગધેડો.
બંને ચોપગા પ્રાણી પણ એમની કાયામાં અને એમની પ્રત્યેની માણસની માયામાં આસમાન જમીનનો ફરક. બંને વિશેની સમજણમાં પણ દરિયા-ખાબોચિયા જેવું અંતર. ગધેડો એટલે મૂર્ખ, અણસમજુ અને વૈતરું કરી જાણે એવો માણસ, ઠોઠ, બેવકૂફ કે અક્કલ વિનાનો માણસ. હાથી એટલે મદમસ્ત કાયા, શરીરે બળવાન અને બુદ્ધિશાળી પ્રાણી. બંને પ્રાણીમાં ગજબનાક અસમાનતા હોવા છતાં તેમના વિશે કહેવતોમાં ગજબનાક સામ્ય જોવા મળે છે. ગધેડાને ગાજર દેખાડવું કહેવત તમે જરૂર વાંચી હશે અથવા સાંભળી હશે. આ કહેવત પાછળ નાનકડી કથા એવી છે કે એક કુંભાર પાસે ગધેડો હોય છે. આ ગદર્ભ ચીંધ્યું બધું કામ કરે, પણ એ કામ આટોપી લેવામાં હિસાબ બહારનો વિલંબ કરે, મોડું કરે. સમયના વેડફાટથી કંટાળી ગયેલા કુંભારે વિચાર્યું કે કોઈ એવી યુક્તિ અજમાવવી પડશે જેથી મારું કામ ઝપાટાબંધ પાર પડે. ભલે એ હતો ગધેડાનો માલિક, પણ તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો હતો. પોતાનો સુસ્ત ગધેડો સ્પીડ પકડી દોડે એ માટે કુંભારે એક લાકડીના છેડે ગાજર બાંધી એ લાકડીનો બીજો છેડો તેની ડોક પર બાંધ્યો. લાકડી સીધી રાખવાથી ગધેડાની નજર સામે ગાજર દેખાય અને એ મેળવવા તે ઝડપથી દોડવા લાગે. જોકે, જેમ ગધેડો આગળ દોડે એમ ગાજર પણ આગળ જ રહે અને એના હાથમાં આવે નહીં. એ મેળવવાની બધી મહેનત નકામી જાય. આવા જ ભાવાર્થવાળી કહેવત હાથીના સંદર્ભમાં છે. હાથી આગળ પૂળો, હળવે હળવે નીકળે હાથી આગળથી પૂળો લેવો. અહીં પણ હાથી આગળ વધે એ માટે એને ખોરાક તરીકે પ્રિય એવા ઘાસના પૂળાની લાલચ દેખાડવાની જ વાત છે. જોકે, સાથે એવી પણ કહેવત છે કે હાથી આગળ પૂળો નાખવો સહેલો, પણ કાઢી લેવો મુશ્કેલ. મતલબ કે પૂળો કાઢો તો હાથી વીફરે એ સંભાવના નકારી ન શકાય. ગધેડાની ગાજરવાળી અને હાથીની પૂળાવાળી એ બંને કહેવતમાં યુક્તિથી કામ કઢાવી લેવાની વાત છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: મન કહે માળિયે ચડું, કરમ કહે કાંટામાં પડું

આ બંને વિરોધાભાસી પ્રાણીઓની એક મજેદાર અને સમજવા જેવી કહેવત છે ઈનામમાં હાથી ને અસવારીમાં ગધેડું. મળેલી કે આપવામાં આવેલી વસ્તુની નિરર્થકતા સાબિત થાય છે આ કહેવતમાં. બક્ષિસ કે શિરપાવ અથવા વિજય મેળવ્યા બદલ જો સામાન્ય માણસને હાથી આપવામાં આવે તો એને શું કામ આવે? એ થોડો એની પર સવારી કરવાનો કે અન્ય કોઈ ઉપયોગમાં લઈ શકવાનો? આવું ઈનામ નિરર્થક છે. એ જ રીતે સવારી માટે જો ગધેડું આપવામાં આવે તો કોઈ વ્યક્તિ એની પર બેસી જાતે મૂરખ સાબિત થવું પસંદ તો ન જ કરે ને. ટૂંકમાં આપતી વખતે વિવેકભાન જાળવવું જોઈએ. ડાયરાના શોખીનને રેપર ટ્રેવિસ સ્કોટની કોન્સર્ટની ટિકિટ ન અપાય.

MEANING CHANGE
સેક્રેટરી શબ્દ નામ પડતા અસલના વખતના મહેતાજીનું સ્મરણ થાય. ગુજરાતીમાં સચિવ, મુખ્ય સહાયક કે ચિટનીસ તરીકે પણ ઓળખાય. Secretary means one entrusted with the secrets or confidence of a superior. સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જેના પર વરિષ્ઠ હોદ્દો ધરાવતી વ્યક્તિને ભરોસો હોય અને એને કોઈની જાણમાં ન આવે એવા કામ કે વસ્તુની જવાબદારી સોંપી શકાય. The most popular definition of secretary is a person who works in an office. A secretary types letters, answers the telephone, keeps records, etc. સૌથી જાણીતી વ્યાખ્યા છે ઓફિસમાં કામ કરતી વ્યક્તિ જે લેટર – ડોક્યુમેન્ટ ટાઈપ કરવાનું, મહત્ત્વના રેકોર્ડ સાંભળવાના ઈત્યાદિ કામ કરે છે. અલબત્ત જો ઊંચા હોદ્દા પર બિરાજમાન પુરુષની સેક્રેટરી કોઈ ખૂબસૂરત યુવતી હોય તો અન્ય અર્થ પણ જોડી દેવામાં આવતા હોય છે. કોઈ સેક્રેટરીનું પદ ગર્વની બાબત પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે વડાપ્રધાનના સચિવનું પદ કે પછી યુનાઈટેડ નેશન્સ જેવી વૈશ્વિક સંસ્થાનું સેક્રેટરી જનરલનું પદ મોભો ધરાવે છે. In USA secretary means the head of a government department, chosen by the President. યુએસએમાં રાષ્ટ્રપતિ દ્વારા કોઈ વિભાગ માટે નિયુક્ત કરવામાં આવેલી વ્યક્તિ સચિવ કે સેક્રેટરી કહેવાય છે. ભારતમાં સંરક્ષણ પ્રધાનનો હોદ્દો હોય અને એ જ પદ યુએસએમાં ‘ડિફેન્સ સેક્રેટરી’ના નામથી ઓળખાય છે. So it seems rather obvious, when looking at a word such as secretary, that its original meaning had something to do with secrets. Yet somewhere along the way the word slipped free of its moorings and took on a not terribly secret meaning. ટૂંકમાં સેક્રેટરી શબ્દના મૂળ અર્થને સિક્રેટ યાને કે ગુપ્તતા જાળવવા સાથે સંબંધ હતો. સમયના વહેણમાં શબ્દની અર્થછાયાનું વિસ્તરણ થયું.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : શુભ – અશુભ વચ્ચે અટવાય છે પંચક

ડિનર શબ્દ કાને પડતા રાત્રી ભોજનનો જ વિચાર આવે. કેન્ડલ લાઈટ ડિનર કે પછી વાઈન – ડાઈન એન્ડ ડાન્સ જેવા રોમેન્ટિક ખ્યાલો પણ આવી જાય. Dinner is the word that originated from a French word called disner that is derived from the Latin word disjejunare which means breaking the fast. ઉપવાસ તોડવા માટે લેવાતા ખોરાક માટે ડિનર શબ્દનો ઉપયોગ કરાતો હતો. In actuality, it means the first meal of the day and is still used in the same meaning in certain parts of the world. હકીકતમાં દિવસનું પ્રથમ ખાણું ડિનર કહેવાતું અને આજની તારીખમાં પણ વિશ્વમાં કેટલાક સ્થળે આ અર્થ જળવાયો છે. According to the Oxford English dictionary Dinner is used to depict the largest meal of the day that is taken in the evening. Although the last meal of the day is called supper, that is not much used today. At present, dinner is used to denote the meal that is taken in the evening or the last meal that you take before going to bed. ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્ષનરી અનુસાર સાંજના સમયે સૌથી વધુ માત્રામાં લેવામાં આવતું ખાણું ડિનર કહેવાય છે. પ્રચલિત વ્યાખ્યા અનુસાર દિવસનું છેલ્લું ખાણું અંગ્રેજીમાં સપર તરીકે ઓળખાય છે, પણ આ શબ્દ હવે ચલણમાં નથી રહ્યો. આજે તો ડિનર એટલે રાતે સૂતા પહેલા લીધેલું છેલ્લું ભોજન એવો અર્થ પ્રચલિત છે.

नानी – दादी की कहावतें
જ્ઞાન સાથે ગમ્મત આપતી વડીલોની કહેવતોનો સિલસિલો આગળ વધારીએ. काठ की हांडी बार बार नहीं चढ़ती બહુ જાણીતી કહેવત છે. કાઠ એટલે લાકડું. ગુજરાતીમાં એને માટે કાષ્ઠ શબ્દ છે. હાંડી એટલે હાંડલી અથવા હાંલ્લી – નાનું વાસણ. जब काठ की हांडी मुहावरे का प्रयोग किया जाता है तो इसका अर्थ होता है अस्थाई वस्तु। जो एक बार प्रयोग करने के बाद नष्ट हो जाती है क्योंकि काठ की हांडी को सिर्फ एक ही बार आग पर रखा जा सकता है और वह जल जाती है। इसलिए काठ की हांडी को एक ही बार प्रयोग होने वाली वस्तु का पर्यायवाची माना जाता है। કાઠ કી હાંડી રૂઢિપ્રયોગનો ભાવાર્થ છે અસ્થાયી વસ્તુ. લાકડાની હાંડીનો એકવાર વપરાશ કર્યા પછી એ નકામી થઈ જતા ફેંકી દેવી પડે છે. લાકડાનું હાંડલુ એક વાર તાપ ઉપર મૂકો એટલે એ બળી જાય. બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય. એટલે એક જ વાર ઉપયોગમાં લઈ શકાતી વસ્તુ માટે કાઠ કી હાંડી પર્યાયવાચી શબ્દ છે. શબ્દાર્થ જાણ્યા પછી એનો ભાવાર્થ જાણીએ. इसका मतलब है कि किसी भी व्यक्ति को बार – बार मूर्ख नहीं बनाया जा सकता है सिर्फ एक बार बनाया जा सकता है . जैसे काठ की हांडी चूल्हे पर सिर्फ एक बार चढ़ती है बार – बार नहीं वैसे ही किसी को एक बार मूर्ख बनाया जा सकता है. તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિને તમે એકાદ બે વાર મૂરખ બનાવી શકો, વારંવાર નહીં. અસલના વખતની બીજી કહેવત છે लला को सिर पै बैठाहो, सो वो कानईं में मूतहै। હિન્દીભાષી લોકોમાં નાના બાળકને લાડમાં લલા કહીને બોલાવવાનો રિવાજ છે. કાનઈ બૈઠાહો એટલે કાન પાસે બેસાડવો મૂત હૈ એટલે પેશાબ કરવો. ઉત્તર ભારતમાં યુપી અને એમપી એમ બે રાજ્યમાં વહેંચાયેલા બુંદેલખંડમાં આ કહેવતનું ચલણ વધારે છે. કોઈ પણ બાળકને વધુ પડતા લાડ કરો તો એ બગડી જાય અને પરેશાન કરતી હરકત કરવા લાગે એ એનો ભાવાર્થ છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ

म्हणीची कथा
કહેવત કથામાં કેટલાક ઉદાહરણ અચરજ પમાડનારા હોય છે. શબ્દાર્થ પરથી અનુમાન બાંધીએ તો મેળ ન પડે. ઉદાહરણ પરથી વાત વિગતે જાણીએ. भाऊगर्दी होणे हा वाक्प्रचार बघता असं वाटतं की कुणीतरी भावाला सांगतंय की ‘भाऊ गर्दी होतेय किंवा झाली आहे.’ पण इथे भाऊ आणि गर्दी दोन वेगळे शब्द नसून एक च शब्द आहे. भावाची गर्दी असा अर्थ नसल्या मूळे भावार्थ पहावे लागेल. મરાઠી શબ્દ ભાવ એટલે ભાઈ. જોકે, ભાઈની ગર્દી કે ભીડ એ અર્થ બેસતો ન હોવાથી ભાવાર્થ સમજવો પડશે. १७६१ साली पेशव्यांचे अब्दालीशी झालेला युद्धापासून हा वाक्प्रचार अस्तित्वात आला. આ યુદ્ધમાં પેશવાનો પરાક્રમી સેનાપતિ હતો ચિમાજી અપ્પા અને તેમના પુત્રનું નામ હતું સદાશિવરાવ ભાઉ. પાણીપતના યુદ્ધમાં દુશ્મન સૈનિકોની ભીડ વચ્ચે – ગર્દી વચ્ચે ભાઉ લડવા ઉતર્યો અને લડતા લડતા શહીદ થઈ ગયો. આમ સદાશિવરાવ ભાઉ ગર્દીમાં યુદ્ધ કરી મૃત્યુ પામ્યો ત્યારથી ભાઉગર્દી એ જોડીદાર શબ્દ અસ્તિત્વમાં આવ્યો. या कथेमूळे प्रचंड आणि जीवघेण्या गर्दीला भाऊगर्दी झाली असं म्हणायची प्रथा सुरु झाली। आणि हां वाक्प्रचार अस्तित्वात आला. આ ઐતિહાસિક કથાના વિશિષ્ટ શહીદીના પ્રસંગને પગલે ધર્મસ્થાનકમાં કે પછી કોઈ નૈસર્ગીક આપત્તિ વખતે ભાગદોડ વખતે જે ભારે ગર્દી થાય એને માટે ભાઉગર્દી થઈ એવી કહેવાની પ્રથા પડી. छोट्या पडद्यावर वर्षानुवर्षे मालिकांची भाऊगर्दी झाली आहे. નાના પડદા પર – ટેલિવિઝનમાં દર વર્ષે સિરિયલોની ગર્દી – મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. પાણીપતના યુદ્ધે એક અનોખા રૂઢિપ્રયોગની ભેટ આપી એમ કહી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button