મિજાજ મસ્તી : સમાચારના સમાચાર: લાલચમાં લપસાવતી લીલા

-સંજય છેલ
ટાઇટલ્સ:
સનસની ને અનહોની બે અલગ વાત છે. (છેલવાણી)
ભારતના અદ્ભુત કોનમેન કે છલિયા કે બહુરૂપિયા ચોર એવા નટવરલાલે તાજમહેલ વેંચવાથી માંડીને ઈંડિયન રેલવે ખરીદવાની લાલચ આપીને હજારોને ચૂનો ચોપડેલો. આખરે પકડાઇ ગયા પછી કોર્ટમાં જજે નટવરલાલને પૂછ્યું: ‘તમે બુદ્ધિશાળી લોકોને કેવી રીતે છેતરી શકો છો?’ ‘સાહેબ, તમને કઇ રીતે સમજાવું ? ચલો, જો તમે મને 50 રૂપિયા આપો તો સમજાવું.’ નટવરલાલે કહ્યું, જજે 50 રૂપિયા આપ્યા. નટવરલાલે ખિસ્સામાં મૂકીને કહ્યું, ‘ભગવાનનો આભાર માનો કે મેં તમને કોઇ લાલચ ન આપ્યાં, ખાલી 50 રૂ.માં જ છેતર્યા.’
નટવારલાલનાં કરતબ જેવાં મીડિયામાં કે વોટ્સ-એપ કે યુ-ટ્યૂબ પરનાં સમાચારને ભલાભલા ભણેલાં લોકો અંતિમ સત્ય માની લે છે. એમાં યે કોઈ સમાચારમાં એવું લખ્યું હોય કે, ‘વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે’, ‘કહેવામાં આવે છે’, ‘સાંભળવામાં આવ્યું છે’, ‘એક પ્રવક્તાએ વિચાર્યું હતું’, ‘એક નેતા, જેઓ એમનું નામ આપવા નથી માગતા, એમણે કહ્યું છે’, વગેરે સમાચારો સાચા જ હશે- એ થિયરી મુજબ સામાન્ય રીતે લોકો દ્વારા સાચા માનવામાં આવે છે. આવા સમાચારનું કોઇ નેતા કે વ્યક્તિ વડે ખંડન કરવામાં આવે તો લોકોને એ વાત માનવાનું વધારે મન થઇ જાય છે કે ‘હં…આમાં કશુંક તો હશે જ ને?’
આ પણ વાંચો: મિજાજ મસ્તી: જોક્સ કે જીવન… શાકાહાર એટલે શાકાહાર
1980-90ના દાયકામાં મુંબઇનાં ગુજરાતી છાપાં માટે એક જોક ફેમસ હતો કે અખબારમાં નોકરી માટે આવેલા નવા માણસને પૂછવામાં આવતું કે ‘ગુજરાતી આવડે છે?’ પેલો કહે: ના. તો એને કહેવામાં આવે: ‘તો તમે તંત્રી વિભાગમાં જાવ.’ બીજા કોઇને પૂછવામાં આવે કે ‘તમે ક્યારે કંઇ લખ્યું છે?’ પેલો કહે: ના! તો સામે કહેવામાં આવે કે ‘તો તમે કોલમ લખવા માટે પ્રયત્ન કરો.’ પછી કોઇને પૂછવામાં આવે કે ‘તમે ક્યારેય ગુજરાતી છાપું વાંચ્યું છે?’ પેલો કહે- ના! તો એને કહેવામાં આવે કે ‘તમે જાહેર ખબર અને સર્ક્યુલેશન વિભાગમાં જાવ! ’ જો કે આજે હવે સાવ એવું નથી અને હજી યે તાજેતરનાં સર્વે મુજબ આજે પણ લોકો, અખબાર અને છપાયેલા શબ્દો પર ઓનલાઇન સમાચાર કે સોશ્યલ મીડિયા કરતાં વધુ વિશ્વાસ કરે છે એ હકીકત છે.
એકવાર અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ એપ્રિલ ફૂલ ના મૂડમાં ‘એવું કહેવામાં આવે છે’ લખીને છાપેલું કે રેંડ કોર્પોરેશનને રાષ્ટ્રપતિ નિક્સને પૂછ્યું કે ‘જો કોઈ ઉગ્રવાદી પક્ષ દ્વારા ગડબડ કરવાની શક્યતા હોય તો 1972ની સામાન્ય ચૂંટણીઓને રદ કરવા માટે કોઈ યોજના બનાવવી જોઇએ?’
વેલ, અમેરિકાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ઘણીવાર રેંડ કોર્પોરેશનને આવી વ્યૂહરચનાની જવાબદારી સોંપે છે એટલે અમેરિકામાં તો એકદમ સનસનાટી મચી ગઇ! આ સમાચાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ની બે આવૃત્તિઓનાં અંદરના પાને સાવ ખૂણામાં છપાયેલા પણ બીજા છાપાંના સંપાદકોએ, રાજધાની વોશિંગ્ટનનાં પત્રકારોને ખખડાવીને કહ્યું, ‘આટલા મોટા સમાચાર છે ને તમે ઊંઘતા રહ્યા? આમાં તરત કંઇ શોધો.’ પણ કંઈ હોય તો ખબર પડેને?
આ પણ વાંચો: મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી
ઇન્ટરવલ:
બડી તાઝા ખબર હૈ ,
કિ તુમ ખૂબસૂરત હો! (ગુલઝાર)
જ્યારે પત્રકારોને એ સમાચારમાં કંઈ જ ન મળ્યું, ત્યારે ગોળ ગોળ જલેબી બનાવીને લખ્યું: ‘વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ નિક્સને રેંડ કોર્પોરેશનને 1992ની ચૂંટણીઓ રદ કરવાનો માર્ગ સૂચવવા માટે કહ્યું છે- એવા સનસનાટીભર્યા સમાચારની પુષ્ટિ થઈ શકી નથી, પણ એવું કહેવાય છે કે આવું ઉગ્રવાદી તત્ત્વો દ્વારા ખલેલ પહોંચાડવાના ડરના કારણે કરવામાં આવ્યું છે.’
હવે આ સમાચાર છાપાનાં પહેલા પાના પર જ પ્રકાશિત થયા ને આખો દેશ ચોંકી ગયો. રેંડ કોર્પોરેશને તરત જ નકારી કાઢતું નિવેદન આપ્યું ને રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તાએ સમાચારને નકારી કાઢ્યા. આમ ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં એક ખૂણાંમાં છપાયેલી એક અફવા રાષ્ટ્રીય અખબારોના પહેલા પાના પર 3-3 વખત છપાઈ!
આવું જ વરસો અગાઉ ‘એરોન વેલ્સ’ દ્વારા રેડિયો પર પ્રસારિત ‘ધ વોર ઓફ ધ વર્ડ્સ’નું માટે થયેલું, જેમાં મંગળના રહેવાસીઓ ને પૃથ્વીના રહેવાસીઓ વચ્ચેના યુદ્ધનું વર્ણન કરતી નવલકથાને ‘ન્યૂઝ-બુલેટિન’ કે ‘આંખો દેખા હાલ’તરીકે રજૂ કરવામાં આવી.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : સવાલાત’નીલાત’: પૂછો મગર પ્યાર સે
‘તમે વોર ઑફ ધ વર્ડ્સ’ નું રેડિયો વર્ઝન સાંભળી રહ્યાં છો એવું કહેવાયું તેમ છતાં અમેરિકન શ્રોતાઓ પાગલ થઈ ગયા ને દેશમાં આતંક ફેલાઇ ગયો હતો.
એ જ રીતે, જ્યારે આપણી આકાશવાણીએ એક પ્રેમકથા ‘ભૂત કા મકાન સે આંખો દેખા હાલ’નું રેડિયો નાટક પ્રસારિત થયેલું ત્યારે શ્રોતાઓએ માની લીધું કે અરે, વાહ..આપણાં રેડિયોવાળાઓ, ખરેખર કોઇ ભૂતિયા ઘરમાં ગયા છે!
મીડિયા પર આવા આંધળા ભરોસાનાં બીજા અનેક ઉદાહરણો છે, જેમ કે ન્યૂયોર્કમાં કોઇએ માઇક્રોફોન અને ટેપ-રેકોર્ડ સાથે લીધાં ને રસ્તા પર લોકોને જાતજાતનાં વાહિયાત પ્રશ્નો પૂછવા માંડ્યા. પણ જનતાએ તો એમ માની લીધું કે આ કોઈ ટીવી કે રેડિયો-પ્રોગ્રામનો સાચુકલો સર્વે હશે! એવી જ રીતે એક બેરોજગાર માણસ, ગળામાં માત્ર સ્ટેથોસ્કોપ પહેરીને મહિનાઓ સુધી અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલમાં ડોક્ટર બનીને આરામથી ફરતો અને ઉપરથી ડોક્ટરોને આપવામાં આવતી બધી સગવડોનો લાભ લેતો રહ્યો. મજાની વાત એ છે કે એ લબાડ પકડાયો પણ સ્ટેથોસ્કોપને કારણે જ! એક દિવસ કેન્ટીનના વેઇટરે જોયું કે એણે જમતી વખતે પણ ગળામાંથી સ્ટેથોસ્કોપ કાઢ્યું નહીં. સામાન્ય રીતે ડોકટરો રાઉન્ડ પૂરો થયા પછી એને ખિસ્સામાં રાખે. પછી વેઈટરે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે પેલો તો ડોક્ટર જ નથી!
સોશ્યલ મીડિયા, ઓન-લાઇન સર્વે કે વોટ્સએપ પર આવતી બધી વાત પર ભરોસો કરવો એ પણ હાલતા ચાલતા શીર્ષાસન કરવા જેવી વાહિયાત વાત છે. તો નહેરુ કે ગાંધી કે શેરબજાર કે કોઇ સ્કીમ વિશે કંઇ વાંચો તો પહેલાં સોચો- સમજો ને વિચારો સમજ બાકી રહી હોય તો!
એંડ-ટાઇટલ્સ:
આદમ: પેલા ન્યૂઝ વાંચ્યા?
ઈવ: ના. હું માનસિક ઉપવાસ પર છું.