નેશનલ

અતુલ સુભાષ જેવો વધુ એક કિસ્સો! યુપીમાં આત્મહત્યા પહેલા એન્જીનીયરે પત્ની પર લગાવ્યા આરોપ

ઇટાવા: બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોફેશનલ અતુલ સુભાષની આત્મહત્યાએ મહિલાઓ દ્વારા પુરુષો પર લગાવવામાં આવતા ખોટા આરોપો સામે પુરુષોને રક્ષણ આપતો કાયદો બનાવવા અંગે ચર્ચા જગાવી (Atul Subhash Suicide case) હતી. એવામાં ઉત્તર પ્રદેશના ઇટાવા એક અતુલ સુભાષ આત્મહત્યા કેસ જેવો જ કિસ્સો બન્યો છે. એક હોટેલમાંથી એક એન્જિનિયરનો મૃતદેહ મળી આવ્યો હતો, એક વિડીયો નોટમાં તેણે પત્ની પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

અહેવાલ મુજબ ઇટાવા રેલ્વે સ્ટેશનની બહાર સ્થિત એક હોટલમાંથી 33 વર્ષીય એન્જિનિયર મોહિત યાદવનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી (Mohit Yadav Suicide case) આવ્યો હતો. મોહિતે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પત્ની પર હેરાનગતીનો આરોપ લગાવ્યો હતો. વીડિયો બનવતા પહેલા તે શુક્રવારે પરિવારને મળી આવ્યો. મોહિતે વીડિયોમાં પ્રિયા સામે ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો: અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

મોહિત યાદવ ઔરૈયા જિલ્લાનો રહેવાસી છે, તે એક સિમેન્ટ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, મોહિતે સાત વર્ષ રીલેશનશીપમાં રહ્યા બાદ 27 નવેમ્બર, 2023 ના રોજ પ્રિયા સાથે લગ્ન કર્યા હતાં

મિલકત ટ્રાન્સફર કરવા દબાણ

વીડિયોમાં મોહિતે આરોપ લગાવ્યો છે કે બે મહિના પહેલા પ્રિયાને બિહારમાં ખાનગી શાળામાં શિક્ષકની નોકરી મળી હતી, એ સમયે તે ગર્ભવતી હતી, પરંતુ પ્રિયાની માના કેહવા પર તેણે એબોર્શન કરાવ્યું હતું. વિડીયોમાં મોહિતે આરોપ લગાવ્યો કે પત્નીના નામે મિલકત ટ્રાન્સફર કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. દહેજના ખોટા આરોપો લગાવીને તેને ફસાવવાની ધમકી આપવામાં આવી રહી હતી.

‘મારા અસ્થીઓ ગટરમાં ફેંકી દેજો’

તેણે વીડિયોમાં કહ્યું “જ્યારે તમને આ વીડિયો મળશે, ત્યારે હું આ દુનિયામાંથી જતો રહ્યો હોઈશ. જો પુરુષો માટે કોઈ કાયદો હોત તો મેં આ પગલું ન ભર્યું હોત. મારી પત્ની અને તેના પરિવાર દ્વારા થતી હેરાનગતિ હું સહન કરી શકુ એમ નથી.”

વીડિયોના અંતે મોહિતે ભારે હ્રદય સાથે માતાપિતાની માફી માંગતા કહ્યું કહ્યું, “જો મને ન્યાય ન મળે, તો મારા અસ્થીઓને ગટરમાં ફેંકી દેજો.”

આ પણ વાંચો: કાઉન્સિલરના પુત્ર સહિત કચ્છમાં આત્મહત્યા અને અકસ્માતમાં સાતનો જીવ ગયો

સાસરિયાઓનો ત્રાસ

મોહિતના ભાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મોહિત કોટા જવા માટે નીકળ્યો હતો, પણ પહેલા ઇટાવામાં જ રોકાવાનો હતો. શુક્રવારે સવારે એક વીડિયો મળ્યો, જેને જોઈને આખો પરિવાર ચોંકી ગયો.

મૃતક મોહિતના પરિવારના સભ્યોનું કહેવું છે કે લગ્ન પછી મોહિતની પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું, તે વારંવાર તેના સાસરિયાઓ દ્વારા ખોટા આરોપો અને ધમકીઓથી પરેશાન રહેતો હતો. થોડા મહિના પહેલા તેના સસરાએ પણ ખોટી અરજી કરી હતી.

મોહિતની પત્ની પ્રિયા યાદવ અને તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટના મહિલાઓ દ્વારા ખોટા આરોપો સામે પુરુષોને રક્ષણ આપતા કાયદાની વધતી માંગ અંગેની ચર્ચાને જોર આપ્યું છે.

(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ))

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button