
-મહેશ્વરી
નાટકની વાર્તામાં, એની રજૂઆતમાં, કલાકારના અભિનયમાં નાટ્ય તત્ત્વની હાજરી કૃતિની રજૂઆતને વેંત ઊંચી સાબિત કરી શકવાનું કૌવત ધરાવે છે. નાટકની વાર્તાનું વહેણ એક ચોક્કસ ગતિએ એક નિર્ધારિત દિશામાં આગળ વધતું હોય અને અચાનક… અચાનક કોઈ કારણસર વહેણની દિશા બદલાઈ જાય, ગતિમાં ફેરફાર આવે અને કોઈ અણધારી મંઝિલની દિશા તરફ નાટક આગળ વધે. આ અચાનક જે બને એ નાટ્ય તત્ત્વનો એક મણકો ગણાય છે. સ્ટેજ પર અભિનેત્રી તરીકે એનો અનુભવ અનેક વાર લીધો અને અંગત જીવનમાં તો આવા એટલા અનુભવ થયા છે અને હજી થતા રહે છે. વિશ્વ એક રંગમંચ છે એ વિલિયમ શેક્સપિયરનું કથન શાશ્વત છે એનો ખ્યાલ આવે છે.
મારા અંગત જીવનમાં તેમજ વ્યવસાયિક જીવનમાં પણ એવા એવા વળાંક અચાનક આવ્યા છે કે ક્યારેક તો આંખોને પહોળી થવા માટે જગ્યા ઓછી પડે. જૂની રંગભૂમિ માટે દર્શકોના હેતમાં આવેલી ઓટ પારખી વિનુભાઈ નવી રંગભૂમિ માટે નાટક કરવાનું બીડું ઝડપી ‘પળના પ્રતિબિંબ’ નામનું નાટક કર્યું તો ખરું, પણ પહેલા શોની જબરદસ્ત સફળતા પછી જે વેગથી આગળ વધવું જોઈતું હતું એ સ્પીડ નાટકે પકડી નહીં અને 50 શો પછી બંધ થઈ ગયું.
અનેકવાર ઘુમરાયો હતો એ સવાલ ફરી દિમાગમાં દોડાદોડ કરવા લાગ્યો કે ‘હવે શું?’ જ્યારે જ્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહ્યો છે ત્યારે ત્યારે મેસેજ કે ફોનની વાતચીત જવાબ બની ગયા છે. ગયા હપ્તામાં મેં કાંતિ મડિયાનો મેસેજ મળ્યો એની વાત કરી હતી. જોકે, આ એપિસોડને શબ્દદેહ આપી રહી હતી ત્યારે અચાનક મગજમાં બત્તી થઈ અને મડિયાના મેસેજ પહેલા અચાનક બનેલી એક ઘટનાનું સ્મરણ થયું. જીવનમાં આ અચાનકથી મને ઘણી વાર ચાનક ચડી છે. ચાનક ચડવી એટલે ઉત્સાહ જાગવો, ઉત્તેજના થવી એ મને ભાંગવાડી થિયેટરના દિવસોમાં એક ગુણી લેખકે સમજાવ્યું હતું.
‘પળના પ્રતિબિંબ’ પર પડદો પડી ગયા પછી મારું પ્રતિબિંબ શોધવા હું ફાંફાં મારી રહી હતી ત્યાં અચાનક એક દિવસ મને અરીસો દેખાણો. શોભના દેસાઈ સાથે અણધારી મુલાકાત થઈ. શોભના દેસાઈ એક સમયે નાટ્ય નિર્માણ તેમજ સિરિયલ પ્રોડક્શનમાં મોટું નામ હતું. 1990ના દાયકાની સુપરહિટ ગુજરાતી સિરિયલ ‘સપનાના વાવેતર’ અને પછી હિન્દીમાં બનેલી 1000 એપિસોડ ચાલેલી ‘એક મહલ હો સપનો કા’નાં સહ નિર્માત્રી એ તેમની મજબૂત અને મોંઘેરી ઓળખ છે. સિરિયલના ગ્લેમરમાં રંગભૂમિની ઓળખ દબાઈ ગઈ. ખેર. શોભનાએ મને એક ઓફર આપી જે મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવતી હતી, કારણ કે હું નવા કામની શોધમાં હતી. જોકે, સાથે સાથે એક એવો પાઠ ભણવા મળ્યો જે મને ઘણું શીખવી ગયો.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ – બેરિસ્ટર: દર્શકને ઢંઢોળતું નાટક
વાત એમ હતી કે એ સમયે શોભનાનું એક નાટક ચાલતું હતું ‘સીમાચિહ્ન.’ એમાં રોહિણી હટ્ટંગડીનો મેઈન રોલ હતો. રોહિણી મરાઠી નાટકો, હિન્દી સિરિયલ, ફિલ્મો ઉપરાંત ગુજરાતી નાટકોના ખાસ્સા વ્યસ્ત કલાકાર હતાં. જોકે, આ નાટકના શો નિયમિત નહોતા થતા, કારણ કે જો રોહિણીને શૂટિંગ માટે કહેણ આવે તો એ જતી રહે અને ‘સીમાચિહ્ન’ તાત્પૂરતું બંધ થઈ જાય. બંને વચ્ચે આ ગોઠવણ નાટક શરૂ કર્યું એ પહેલાથી જ હતી એટલે ફરિયાદનું કોઈ કારણ નહોતું. જોકે, શોભના દેસાઈ પ્રોડ્યુસર અને કોઈ પણ નિર્માતાને રોલિંગ અટકે એ ગમે નહીં. એટલે શોભનાએ મને પૂછ્યું કે ‘રોહિણી શૂટિંગમાં જાય ત્યારે આ નાટક તમે કરશો?’ નેકી ઔર પૂછપૂછ? મેં તો પળની રાહ જોયા વિના હા પાડી દીધી. ‘મહેશ્વરી બહેન, તમારે બે જ દિવસમાં રોલ તૈયાર કરવાનો છે.’ રંગભૂમિના કલાકારો માટે આ પ્રકારની કટોકટીની કોઈ નવાઈ નથી હોતી અને આવી પરિસ્થિતિમાં તૈયાર થઈ ખરા ઊતરવાની ક્ષમતા બધા કલાકારોમાં હોય છે. તરત રિહર્સલમાં પહોંચી ગઈ. ફિરોઝ ભગત એના ડિરેક્ટર હતા. બે દિવસમાં તો હું બરાબર તૈયાર થઈ ગઈ રોહિણીનો રોલ કરવા.
નાટક રજૂ થયું અને રોહિણીને જે આવકાર મળ્યો હતો એવો જ આવકાર મારા પરફોર્મન્સ વખતે મળ્યો. રિપ્લેસમેન્ટ રોલમાં એક મોટું જોખમ હોય છે સરખામણીનું. જો કોઈ કારણસર અગાઉ જેવો પ્રતિસાદ ન મળે તો દોષનો ટોપલો આખેઆખો નવા કલાકારના માથે ઢોળી દેવામાં આવે છે. જોકે, ‘સીમાચિહ્ન’ને મળેલા આવકારથી શોભના અને હું બંને રાજી રાજી થઈ ગયા. પછી તો રોહિણી શૂટિંગ માટે જાય એટલે એ રોલ મારે જ કરવાનો એવો શિરસ્તો થઈ ગયો. બહારગામ પણ એના શો થતા હતા અને એમાં સુરતના 20 શો કરવાના આવ્યા.
અચાનક શોભના આવી અને મને કહેવા લાગી કે ‘મહેશ્વરી બહેન, હવે તમારે જ આ રોલ કરવાનો છે.’ સુરતમાં પંદરેક શો થયા ત્યાં એક દિવસ રોહિણી ટપકી પડી. ‘હવે આ રોલ હું જ કરીશ,’ એમ તેણે શોભનાને કહી દીધું. એના વગર અનેક શો આ નાટકના થયા હતા અને સફળતા પણ મળી હતી. એટલે કદાચ એને વિચાર આવ્યો હશે કે નાટકમાંથી એના નામની કાયમ માટે બાદબાકી તો નહીં થઈ જાય ને. કોઈપણ કલાકારને સફળ નાટક છોડવું ન ગમે. એવામાં એક દિવસ એવો પ્રસંગ બન્યો જે કાયમ માટે હૈયામાં કોતરાઈ ગયો અને મને ઘણું શીખવી ગયો.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : મોજીલા મણિલાલ: ઘણું નવું શીખવા મળ્યું
ભાઈદાસમાં ‘સીમાચિહ્ન’નો સાંજનો શો હતો. એ દિવસે બપોરે રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોના સિદ્ધહસ્ત અભિનેત્રી પદ્મારાણીના નાટકનો શો હતો. એ શો પૂરો થયા પછી તૈયાર થવા હું ગ્રીન રૂમ તરફ જઈ રહી હતી ત્યાં પદ્મારાણી સામે મળ્યાં. મને જોઈને લાગલો સવાલ કર્યો કે ‘મહેશ્વરી, તું અત્યારે અહીં? નાટક જોવા આવી હતી?’ મેં ના પાડી અને કહ્યું કે ‘મારો શો છે એટલે આવી છું.’ તેમણે તરત બીજો સવાલ કર્યો કે ‘કયું નાટક?’ મેં ‘સીમાચિહ્ન’ નામ આપ્યું એટલે તરત બોલ્યાં કે ‘એ નાટકમાં તો રોહિણી છે ને.’ મેં કહ્યું ‘હા, પણ એ જ્યારે શૂટિંગ માટે જાય ત્યારે એ રોલ હું કરું છું.’
મારી આ સ્પષ્ટતા સાંભળી પદ્માબહેન રીતસરના વિફર્યા. આજે પણ એમનો ગુસ્સાવાળો ચહેરો મને યાદ છે. અવાજમાં આક્રોશ સાથે મને કહેવા લાગ્યાં કે ‘મહેશ્વરી, શું કામ પ્રોડ્યુસરોની આદત બગાડે છે અને આર્ટિસ્ટનું નુકસાન કરે છે? જવાબ આપ.’ શું જવાબ આપું, કારણ કે તેઓ શું કહી રહ્યા છે એ જ મને નહોતું સમજાતું. મારા મોઢા પર પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ એમણે મને સમજાવી કે ‘બરાબર સમજી લે કે જો કોઈ પણ આર્ટિસ્ટ નાટક છોડી શૂટિંગમાં જાય તો કાયમી રિપ્લેસમેન્ટ માગી લેવાનું. ગરજ અનુસાર કામ નહીં કરવાનું.
સંકોચ રાખ્યા વગર ચોખ્ખી ના પાડી દેવાની. હા, કોઈ આર્ટિસ્ટ બીમાર પડે કે અણધારી મુસીબતમાં મુકાઈ જાય તો પૈસાની વાત કર્યા વિના શો કરી આપવાનો.’ પદ્મા બહેને મને આખી પરિસ્થિતિ વિગતવાર સમજાવી. તેમણે ભણાવેલો આ પાઠ હું ક્યારેય નથી વિસરી અને આવી સમજણ વિકસાવવા બદલ ત્યારે તો મેં તેમનો આભાર માન્યો જ હતો, આજે પણ માનું છું. કાન આમળીને સાચી અને હિતની વાત સમજાવવાવાળા બહુ ઓછા લોકો હોય છે. હું જાતને સદભાગી માનું છું કે પદ્મારાણી જેવા લોકો સાથે મારો ભેટો થયો છે.
છગન ‘રોમિયો’ – પૃથ્વીરાજ કપૂર
પાત્રની લોકપ્રિયતા નામ સાથે જોડાઈ જવાનું વધુ એક ઉદાહરણ એટલે છગન ‘રોમિયો’. મુંબઈ ગુજરાતી નાટક મંડળી જ્યારે બાપુલાલ નાયક હસ્તક હતી એ વર્ષોમાં (1925થી 1939) ઘણા લેખકો પાસે નાટક લખાવી એની ભજવણી થઈ હતી. રમણભાઈ નીલકંઠ, મણિલાલ ‘પાગલ’, ‘મનસ્વી’ પ્રાંતિજવાળા, ચાંપશી ઉદેશી, બાબુભાઈ ઓઝા અને ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા. એકાંકી, દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકો લખનારા ગજેન્દ્રશંકર પંડ્યાએ વાર્તા અને કાવ્યો પણ લખ્યાં હતાં. તેમણે સંસ્કૃતમાં પણ નાટ્યલેખન કર્યું હતું. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના બેનર હેઠળ તેમનું પહેલું નાટક હતું ‘જમાનાનો રંગ’ અને બીજું હતું ‘તરુણીના તરંગ’ જે 1928માં ભજવાયું હતું. આ નાટકમાં છગનલાલ નાગરદાસ નાયક નામના અભિનેતાએ રોમિયોના પાત્રમાં એવો જીવંત અભિનય કર્યો કે છગન ‘રોમિયો’ એમની ઓળખ બની ગઈ. નાટક પછી ફિલ્મોમાં પણ આ જ ઓળખ કાયમ રહી.
‘તરુણીના તરંગ’ નાટકમાં છગન ‘રોમિયો’ અને પ્રાણસુખ નાયકની જોડી જામી અને સુપરહિટ થઈ હતી. નાટકમાં રોમિયો બનેલા છગનભાઈએ કેટલાંક ગીતો પણ ગાયાં હતાં. કોમિક પ્રવેશ પૂરો થાય ત્યારે છગનલાલ નાયક અને પ્રાણસુખ નાયક અંગ્રેજી ગીત ગાતા ગાતા નૃત્ય કરતા હતા. અંગ્રેજી ગીતમાં ડાન્સ અને પહેરવેશ પણ અંગ્રેજી શૈલીના જ રહેતા. ગીતના શબ્દો ‘કમ ઓન કમ ઓન માય લવલી ટોપ’ સંભળાય એટલે પ્રેક્ષકો ગેલમાં આવી જતા. છગન ‘રોમિયો’ના અભિનય પર આફરીન થઈ વન્સમોર આપતા. મુંબઈ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર જેવાં શહેરોમાં એમના પર ફૂલ અને નોટનો વરસાદ વરસતો હતો. છગન ‘રોમિયો’ની ખ્યાતિ એટલી વધી કે એમનું નાટક જોવા પૃથ્વીરાજ કપૂર પણ આવતા હતા.