હેં… ખરેખર?! : પૃથ્વી પરનું એકમાત્ર અજરામર જીવ છે હાઇડ્રા!

-પ્રફુલ શાહ
જેનો જન્મ છે એનું મોત નિશ્ર્ચિત છે. આ સવાસો ટકા સાચી હકીકતમાં એક અપવાદ છે ખરો! હા, હાઇડ્રા નામનો સૂક્ષ્મ જળચર જીવ. હાઇડ્રા કયારેય મરતું નથી. એ ઉંમરને વશ થતું નથી. કદાચ શરીરનું કોઇ અંગ કપાઇ જાય તો એ પોતમેળે એને ફરી ઉગાવી શકે છે. એના બે ટુકડા થાય તો બન્ને સજીવન રહે બે જીવ તરીકે.
આ અજરામર જીવ વિશે જાણવું ગમશે જ. મજાની વાત એ છે કે હજી વિજ્ઞાનીઓ જાણી શકયા નથી કે એની ઉંમર કેટલી છે.
આ પણ વાંચો: ફોકસ: સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટની ચોરી તમને જેલમાં પણ ધકેલી શકે!
માંડ એક સેન્ટિમીટરથી ઓછા એટલે કે અમુક મિલીમીટરના કદવાળું આ જળચર નળીના આકારનું હોય છે. આ ઈંક્ષદયિયિંબફિયિં (કરોડરજજુ વગરનું) જીવના બે સ્તર હોય છે, જે મેસોગ્લોઆ નામની નિર્જીવ પેશીઓથી જોડાયેલા હોય. એના બાહ્ય સ્તરને એકટોડર્મ અને આંતરિક સ્તરને એન્ડોડર્મ કહેવાય છે.
હાઇડ્રાનું શરીર મૂળભૂત રીતે કોષ (સ્ટેમ)નું બનેલું હોય. એમાં કોષ બહુ ઓછા હોય પણ તેની શરીરરચના નવા કોષ બનાવવા સક્ષમ છે. આ રીતે લગાતાર નવા કોષ બનતા રહે અને તે કાયમ એક-અગાઉ જેવા જ રહે. આ અમર જીવ કયાં જોવા મળ? સ્વચ્છ પાણીમાં. પછી ભલે તે સ્થિર હોય કે વહેતું પાણી હોય. પાણી હોય જયાં જળચર, પથ્થર કે વનસ્પતિ છોડ હોય. એના તળાવ કે વહેતા પ્રવાહમાં હોઇ શકે, પરંતુ ગંદા પ્રદૂષિત પાણીમાં હાઇડ્રા ન હોય. હાઇડ્રા વિશે સૌથી વધુ સંશોધન કર્યું છે ડેનિયલ માર્ટિનેઝ નામના વિજ્ઞાનીએ. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત જીવવિજ્ઞાનના આ પ્રોફેસરે સૌપ્રથમ શોધી કાઢયું હતું કે હાઇડ્રા પર ઉંમરની અસર થતી નથી. એટલે એમને અમર કહી શકાય. સંશોધનમાં હાઇડ્રા વિશે માની ન શકાય એવી એક ચોંકાવનારી બાબત બહાર આવી હતી.
એના શરીરના ટુકડા થઇ જાય તો દરેક વૃદ્ધિ પામીને નવા જીવનમાં ફેરવાઇ શકે છે. આ અલૈંગિક જનનની એક પદ્ધતિ થઇ. આ જીવમાં અલૈંગિક સાથે લૈંગિક જનનની પણ વ્યવસ્થા છે. આ સમાન કે ઉભયલિંગી હોઇ શકે છે. ઉભયલિંગી જીવ હોય તો પુરુષના યૌન અંગો વૃષણ અને મહિલાના અંડાશય સાથે મળીને પ્રજનન કરે છે.
હાઇડ્રાના શરીરમાં મળ નિસારણ સિસ્ટમ નથી. એનું શરીર નકામાં પદાર્થને પોતમેળે બહાર ફેંકી દે છે. આ જીવની નથી ઉંમર વધતી કે નથી કદ, આકાર બદલાતા. ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિઝ’ નામક જર્નલમાં પ્રકાશિત શોધ-પત્રમાં ડેનિયલ માર્ટિનેઝે કબૂલ કર્યું હતું કે હાઇડ્રા હોય કે ગમે તે જીવ હોય, પણ એ વધતી ઉંમરના પ્રભાવથી બચી ન શકે. એવી ધારણા સાથે મેં સંશોધન શરૂ કર્યું હતું, પરંતુ હાઇડ્રા વિશેની માહિતી અને ડેટાએ મને ખોટો પાડયો.
આ પણ વાંચો: ઊડતી વાત : રાધારાણીને કયાં જવું હતું?
આજેય વિજ્ઞાનીઓ માટે હાઇડ્રા એક કોયડો છે. એ કોઇ પણ સંજોગો-સ્થિતિ હવામાનની અસર વગર કેવી રીતે સતત જીવી શકે છે એ સમજાતું નથી.
મજાની બાબત એ છે કે હાઇડ્રાની અનુવાંશિક રચના માનવજીવને મળતી આવે છે. વિજ્ઞાનીઓને આ બાબતમાં વધુ દિલચસ્પી છે. કાળા માથાના માનવી ઉંમર લંબાવવા, કાયમ યુવાન રહેવા અને શકય હોય તો અમર થવા માટે ખૂબ ફાંફા મારી રહ્યો છે. એની પાછળ લાખો કે કરોડો નહીં, અબજો ડૉલર ખર્ચી રહ્યું છે. સંશોધનમાં જાતજાતના પ્રયોગો કરી રહ્યો છે, ન કરવાનું કરી રહ્યો છે, જોખમ ઉઠાવી રહ્યો છે અને કુદરતની વ્યવસ્થાને પડકારી
રહ્યો છે.
જરા આસપાસ જુઓ તો ઘણાં માણસો એવા દેખાશે કે જેના અમર થઇ જવાની કલ્પનાથી જ ઉબકા આવી જાય. શરીરમાં ધ્રૂજારી વ્યાપી જાય. માનવી થોડો અમર થઇને હાઇડ્રાની જેમ ચૂપચાપ, કોઇને કનડયા વગર શાંતિથી જીવવાનો હતો. ઓછી આવરદામાં ય ‘જીવો અને જીવવા દો’માં ન માનનારો અમર થઇ જાય તો? ના. ના. એવું ન જ થવું જોઇએ.