IPL 2025

ધોનીની આજે વાનખેડેમાં છેલ્લી મૅચ?: મુંબઈને ચેન્નઈ સામે જીતવાની તક કેટલી?

હેડ-ટુ-હેડના આંકડા ખૂબ રસપ્રદ છે: સાંજે 7.30થી જંગ

મુંબઈ: વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) થનારા આઈપીએલ (IPL-2025)ના 38મા મુકાબલામાં જીતનારી ટીમ માટે આ વિજય વર્તમાન સીઝનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે. જોકે ખાસ કરીને આ મૅચ મહેન્દ્રસિંહ ધોની (MS DHONI) અને તેના કરોડો ચાહકો માટે સ્પેશિયલ બની શકે. ધોનીની વાનખેડેમાં આ અંતિમ મૅચ હોઈ શકે.

2023માં અમદાવાદમાં ધોનીના સુકાનમાં ચેન્નઈએ ગુજરાતને ફાઈનલમાં હરાવીને પાંચમું ટાઈટલ જીતી લીધું હતું અને બીજા જ દિવસે ધોનીએ મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં વિખ્યાત સર્જન દિનશા પારડીવાલા પાસે ઘૂંટણમાં સફળ ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર બાદ ધોની રિટાયર થવાને બદલે કરોડો ચાહકોની લાગણીને માન આપીને 2024 તથા 2025ની આઈપીએલમાં રમ્યો.

જોકે આ વખતે ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે સીઝનની બહાર થઈ જતાં ધોની પર કેપ્ટન્સીનો બોજ આવી પડ્યો છે. તેણે ઘૂંટણમાં તેમ જ સ્નાયુઓમાં પણ દુખાવો રહેતો હોય છે એટલે આ તેની આખરી આઈપીએલ (અને વાનખેડેમાં) અંતિમ મૅચ બની શકે.

આજે મુંબઈને હૅટ-ટ્રિકની તલાશ:

હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈની ટીમ દિલ્હીમાં દિલ્હીને અને વાનખેડેમાં હૈદરાબાદને હરાવીને હવે આજે ચેન્નઈ સામે પણ જીત મેળવશે તો હૅટ-ટ્રિક વિજય મેળવ્યો કહેવાશે

આ પણ વાંચો: ગુજરાત જીતીને નંબર-વન થયું, પણ જૉસ બટલર…

હેડ-ટુ-હેડમાં મુંબઈ આગળ:

-ચેન્નઈ સામે મુંબઈ 38માંથી 20 મૅચ જીત્યું છે. 18 મૅચમાં ચેન્નઈની જીત થઈ છે.
-છેલ્લી છ મૅચમાં મુંબઈ સામે ચેન્નઈ 5-1થી આગળ છે.
-મુંબઈ સામે ચેન્નઈ છેલ્લી ચારેય મૅચ જીત્યું છે. એમાં આ સીઝનની 23 માર્ચની ચેન્નઈ ખાતેની જીત પણ સામેલ છે.
-વાનખેડેમાં 12 મૅચમાંથી સાતમાં મુંબઈનો અને પાંચમાં ચેન્નઈનો વિજય થયો છે.
-વાનખેડેમાં મુંબઈ પ્રથમ બૅટિંગમાં પાંચમાંથી ચાર મૅચ જીતી છે અને એક જ મૅચમાં પરાજય થયો છે.
-વાનખેડેમાં મુંબઈએ લક્ષ્ય ચેઝ કરવામાં ચાર મૅચમાં સફળતા મેળવી છે અને ત્રણમાં નિષ્ફ્ળતા જોવી પડી છે.
-વાનખેડેમાં મુંબઈ પોતાના ઈતિહાસમાં કુલ 88 મૅચ રમ્યું છે જેમાંથી 53માં મુંબઈનો અને 34માં હરીફ ટીમનો વિજય થયો છે. એક મૅચ ટાઈ થઈ છે.

પિચ રિપોર્ટ શું કહે છે?:

ગયા મહિને (23મી માર્ચે) ચેપૉકમાં મુંબઈનો સ્પિન-ફ્રેન્ડલી પિચ પર પરાજય થયો હોવાથી આજે વાનખેડેમાં (ઈજાગ્રસ્ત સ્પિનર કર્ણ શર્માની ગેરહાજરીમાં) એવી પિચ રાખવાનું મુંબઈ કદાચ પસંદ નહીં કરે. ચેન્નઈ પાસે જાડેજા, નૂર અહમદ અને રચિન રવીન્દ્ર જેવા ખ્યાતનામ સ્પિનર હોવાથી એમઆઈ સ્પિનર્સને વધુ મદદકર્તા બને એવી પિચ નહીં બનાવડાવે. હાઇ-સ્કોરિંગ પિચ બનાવવામાં આવી રહી હશે એવું મનાય છે. મુંબઈની કાળઝાળ ગરમીમાં સાંજે-રાત્રે થોડો ભેજ પણ રહેશે.

મુંબઈનો જ ડેવાલ્ડ બ્રુઇસ આજે મુંબઈ સામે:

ચેન્નઈએ ઈજાગ્રસ્ત ગુર્જપનીત સિંહના સ્થાને સાઉથ આફ્રિકના બૅટિંગ ઑલરાઉન્ડર ડેવાલ્ડ બ્રુઇસને 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બ્રુઇસ અગાઉ મુંબઈની ટીમમાં હતો અને આજે મુંબઈની જ સામે કદાચ રમશે. જોકે મુંબઈ આજે નવા પેસ બોલર રામક્રિષ્ન ઘોષ કે કમલેશ નગરકોટીને રમાડશે તો નવાઈ નહીં લાગે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇં-ઇલેવન:

મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર: વિજ્ઞેશ પુથુર/અશ્વની કુમાર.

ચેન્નઈ: એમએસ ધોની (કેપ્ટન), રચિન રવીન્દ્ર, શેખ રાશીદ, રાહુલ ત્રિપાઠી, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, વિજય શંકર, જૅમી ઑવર્ટન, અંશુલ કંબોજ, નૂર અહમદ અને ખલીલ અહમદ. 12મો પ્લેયર: મથીશા પથિરાના.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button