ટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કેસમાં કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

રાજકોટ : ગોંડલના નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માંગણ અને જાનથી મારી નાખવાની ધમકી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસનો મુખ્ય આરોપી તેજલબેન છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આરોપ હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.

કુલ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય ત્રણ સહિત કુલ પાંચ લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

આ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી છે. આરોપીઓમાં પદ્મિનીબા, સત્યજિતસિંહ, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયા સામેલ છે. જ્યારે મુખ્ય આરોપી તેજલબેન છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેજલ છૈયાએ પણ ફરિયાદી રમેશ અમરેલીયા સામે વીડિયો કોલ પર અવારનવાર બીભત્સ માંગણીઓ કરી હોવાનાં આક્ષેપ સાથે વળતી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button