આકાશ મારી પાંખમાં : અમારી સોસાયટીમાં બધા સૂર્યાતાઈને ઓળખે કેમકે કોઈને પણ શારીરિક તકલીફ હોય

-ડૉ. કલ્પના દવે
જીવનવન અતિવેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુભોળો,
તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યોલ્યો.
દયામય મંગલમંદિર ખોલો. (ન.ભો, દિવેટીયા)
દિવંગત આત્માના કલ્યાણ માટેની આ પ્રાર્થનાસભામાં અમારી સોસાયટીના સૂર્યાતાઈ માટે તો કહેવું પડે કે 85 વર્ષનું જીવન તો એમણે અતિવેગે વટાવ્યું જ પણ મૃત્યુનું એ અંતિમ યુદ્ધ સામે પણ તેઓ એકલે હાથે ઝઝૂમ્યાં.
અમારી મંગલ સોસાયટીના વોટ્સએપ ગ્રુપ પર આ શોક સમાચાર જાણીને મારું હૈયું વલોવાઈ ગયું. અમારી સોસાયટીના સૂર્ય જેવા તેજસ્વી સૂર્યાતાઈ 85વર્ષે પણ એકલાં જ રહેતાં હતાં, આતમ તેજથી સભર સદાય મંદ હાસ્ય વરસાવતાં સૂર્યાતાઈએ કયારેય પોતાના એકલવાયા જીવન માટે આંસુ નથી સાર્યા. તેમના પતિ ડોકટર સુબોધ દીક્ષિતનું નિધન કાર અકસ્માતમાં થયું ત્યાર પછી કૌટુંબિક સુકાન સૂર્યાતાઈએ સંભાળ્યું. સૂર્યાતાઈ નર્સ તરીકે ડો. દીક્ષિત સાથે એક જ હોસ્પીટલમાં કામ કરતા હતા અને એમનો પરિચય લગ્નમાં પરિણમ્યો હતો.
કપાળ પર નાનો ચાંદલો, કાળી ફ્રેમના મોટા ચશ્માંમાં પાણીદાર આંખો અને સદાય હસતો ચહેરો ધરાવતાં આ સૂર્યાતાઈએ એમના હૈયામાં કેટલાંય દાવાનળને ધરબી રાખ્યાં છે. સ્વાભિમાની અને આત્મવિશ્વાસથી સભર તાઈ સોસાયટીની દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહથી જોડાય. ગણેશોત્સવ હોય કે નવરાત્રિનો ઉત્સવ, પંદરમી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, હાઉસી રમવાની હોય કે હળદીકંકુ તાઈ અપટુડેટ તૈયાર થઈને આવે. સ્પર્ધાના ઈનામ તો તાઈ જ આપે. અમારી સોસાયટીમાં બધા સૂર્યાતાઈને ઓળખે કેમકે કોઈને પણ શારીરિક તકલીફ હોય તો એ તરત સૂર્યાતાઈ પાસે જાય. નર્સ તરીકે કામ કરેલું એટલે તરત સલાહ આપે, દવા લખી આપે. કોઈ છોકરાને કંઈ વાગી ગયું હોય તો પાટાપીંડી પણ કરી આપે.
દૃઢ મનોબળ ધરાવતાં સૂર્યાતાઈનો દીકરો સુયશ. એમની પુત્રવધૂ માનસી બંને તેમના પિતાની હોસ્પિટલ સંભાળતાં હતાં. એમની દીકરી અનઘા પણ ડોકટર છે. સૂર્યાતાઈનું કુટુંબ એટલે એક સુશિક્ષિત અને સંપન્ન કુટુંબ. પણ, તાઈ છેલ્લાં બેત્રણ વર્ષથી અશક્ત બીમાર રહેતાં હતાં. એ માંડ થોડું થોડું ખાઈને દિવસો પસાર કરતા હતા. એમને કીડનીની તકલીફ હતી.
ડોક્ટરે ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. સૂર્યાતાઈ સ્વયં નર્સ હતાં એટલે જાણતા ંહતાં કે ઓપરેશન વેળાસર કરાવી લેવું જોઈએ. પણ કોઈ અકળ કારણોસર ઓપરેશન કરાવવાનું ઠેલતાં હતાં અને સંતાનો એમના પોતાના કામકાજમાં એટલા વ્યસ્ત હતા કે મમ્મીનું ઓપરેશન કરાવવાનો સમય એમની પાસે ન હતો. મમ્મી તો ખુદ નર્સ હતી, એ જાણે છે કે કઈ દવા ક્યારે લેવી. બસ, આવતે મહિને ઓપરેશન કરાવી લઈશું, એવું વિચારતા, પણ આવતો મહિનો ક્યારેય આવ્યો નહીં.
બાજુમાં રહેતા ભાનુબેને સચિંત સ્વરે એક દિવસે પૂછ્યુ હતું – સૂર્યાતાઈ, તમે કિડનીનું ઓપરેશન કેમ કરાવી લેતા નથી, ડોકટરે તાત્કાલિક કરવાની સલાહ આપી છે ને?
આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ
આ દિવાળીમાં મારો સુયશ ઈંડિયા આવશે ને ત્યારે કરાવીશ. મારું ઓપરેશન થતું હોય ત્યારે મારો દીકરો મારી નજર સામે હોવો જોઈએ. તો દીકરાને કહો કે બે-ચાર દિવસ આવી જાય, ઓપરેશન બહુ ટાળવું ન જોઈએ.
એય શું કરે, પપ્પાની હોસ્પિટલ છોડીને છેક બોસ્ટન ગયો છે. તેનાં સંતાનોને સારું ભણતર મળે એ માટે. જેમ મેં મારા બંને સંતાનોને ભણાવવા કષ્ટ વેઠ્યુ હતું , એમ મારો સુયશ એનાં સંતાનોને ભણાવવા અત્યારે બોસ્ટનમાં રહે છે.
તો, તમે આ ઉંમરે આમ એકલાં કેમ રહો છો, એના કરતાં તમારા દીકરાના મોટા ફલેટમાં તમારી વહુ માનસી સાથે કેમ રહેતાં નથી? ભાનુબેન, તમારી વાત તો સાચી છે, પણ દીકરો અમેરિકામાં અને માનસી તો એની હોસ્પિટલમાં હોય. આજે ઘરમાં ઘરડાં મા-બાપની સેવા કરવાનો સમય કોની પાસે છે? મારા સુબોધ મને હંમેશાં કહેતા કે સૂર્યા, હંમેશાં સ્વમાનથી રહેવું, કોઈના આશ્રિત થઈને ન રહેતી- સાવ અજાણતામાં સૂર્યાતાઈ હકીકત કહી બેઠાં
પણ, તમે આમ એકલાં રહો અને કંઈ થઈ જાય તો?
આ એટલે જ તો મારી દીકરી અનઘાના ઘર પાસે આ ફ્લેટ લીધો છે. મારી અનઘા, જમાઈ અને એમના બંને સંતાનો મારી ખૂબ કાળજી રાખે છે.
ત્યાં જ પડોશમાંથી સવિતા એક ડબ્બામાં ઈડલી- સંભાર લઈને આવીને કહ્યું- આજી, જો ગરમાગરમ ઈડલી બનાવી છે. ખાઈ લો.
સવિતા, બેટા કશાલા હેવડા કષ્ટ કરતે?
કા ન કરું, તુ માઝી આંટી આહે ના-
સૂર્યાએ માંડ માંડ અડધી ઈડલી કોપરાની ચટણી સાથે ખાધી.
બસ, સવિતા આતા નકો.
મી કિચન મદી ઠેવતે, મગ થોડા ખાઉન ગ્યા.
માઝી લેક મી ખાણાર ફીકર કરું નકા.
ત્યાં જ મોબાઈલ રણક્યો. શોભાનો ફોન હતો.
તાઈ, કાલે સાંજે પાંચ વાગે મારે ઘેર કીટી પાર્ટી છે. શોભાએ કહ્યું
‘નકકી યેણાર, શોભા.’
થોડા દિવસ પહેલાં મને એક સાહિત્યક એવોર્ડ મળ્યો, તાઈ ઘણાં અશક્ત હતાં તો પણ તેમણે વોટસએપ પર મને અભિનંદન આપ્યાં, ત્યારે મને શું ખબર કે આ તાઈનો છેલ્લો મેસેજ છે.
આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : હું, અપરાજિતા: દુષ્ટ તને તો આકરી સજા અપાવીને જ હું જંપીશ.
તે દિવસે રોજની જેમ દીકરી અનઘાએ સવારે આઠ વાગે ફોન કર્યો. આઈએ ફોન ઉપાડ્યો નહીં. તરત જ ચિંતાતુર અનઘા અને તેના પતિ આવ્યાં. બીજી ચાવી વડે બ્લોક ઉઘાડ્યો, ત્યારે ખબર પડી કે આઈએ કિચનમાં જ અંતિમ શ્વાસ લીધાં છે.
સદાય પ્રસન્ન જણાતાં સૂર્યાતાઈના અંતિમ દર્શન માટે ભેગા થયેલાં સૌ પોતાનું એક સ્વજન ગુમાવ્યાની વેદના અનુભવી રહ્યાં હતાં.
યુવા વૈભવીએ મને ધીરેથી કહ્યું-તેમના કુટુંબીજનો જાણતાં હતાં કે તાઈ સિરિયસ છે, તે છતાં એમને આ હાલતમાં એકલાં કેમ રાખ્યાં? એમનાં સંતાનો કોઈ કેરટેકરની વ્યવસ્થા કરી જ શકયાં હોત! ખરેખર તો તાઈના મનમાં તો પોતાનાં કુટુંબીજનોને અંતિમ ક્ષણે જોવાની ઝંખના અતૃપ્ત રહી.
મેં એને શાંત રહેવા ઈશારો કર્યો.
સોસાયટીનાં અમારાં સૂર્યાતાઈને અંજલિ આપતાં ૐ શાંતિ કહેતાં કહેતાં મારા મનમાં એક જ યક્ષપ્રશ્ન ઊભો થાય છે.
તાઈએ મૃત્યુની ક્ષણ કેવી રીતે ઝીલી હશે? સાવ એકલપંડે રહેલાં તાઈ તેમની અંતિમ ક્ષણે કિચનમાં કોઈ કામ માટે ગયાં ત્યાં જ પેલો મૃત્યુ રૂપી કાળિયાર નાગ મોં ફાડીને સામે આવ્યો હશે. એકલતા- એકાંત અને સામે રચાયેલું એ મોતનું તાંડવનૃત્ય સૂર્યાતાઈએ એકલપંડે કેવી રીતે ઝીલ્યું હશે ?
મને લાગે છે કે સૂર્યાતાઈ જીવનનું એ અંતિમ યુદ્ધ પણ જીતીને મૃત્યુંજય થઈ ગયાં.