આમચી મુંબઈ

પૂજા ચાલુ રહેશે, સંઘર્ષ ચાલુ રહેશે પણ મંદિર વહીં બનાયેંગે…

હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા જૈનોની બે મોટી જીત:

મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના તોડી પાડવાના વિરોધમાં આક્રમક થયેલા જૈનોએ શનિવારે એક વિશાળ રેલી યોજીને સંબંધિત અધિકારીને હટાવી દેવાની અને દેરાસર પાછું બાંધી આપવાની માગણી કરી હતી. તેની સામે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શનિવારે દેરાસરના તોડી પાડવામાં આવેલા કાટમાળને હટાવી લેવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ પાલિકા અધિકારી નવનાથ ઘાડગેની બદલી કરીને જૈનોની એક માગણી સ્વીકારી લીધી હતી. તેથી દેરાસરના ટ્રસ્ટીગણે શનિવારથી દેરાસરમાં ભગવાનની ફરી પૂજા ચાલુ કરી દીધી હતી પણ દેરાસરના બાંધકામને કાયદેસરનો બનાવવા માટે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે એવો દાવો કર્યો હતો.

વિલે પાર્લેના ૯૦ વર્ષ જૂના દેરાસર તોડી પાડયા બાદ મુંબઈ સહિત સમગ્ર જૈનોમાં ભારે વ્યાપી ગયો હતો. પાલિકાના આ પગલાને અન્યાયી અને હિંસક ગણાવીને તેમની કાર્યવાહી વિરુદ્ધ શનિવારે સવારના વિલેપાર્લે પૂર્વથી અંધેરી પૂર્વમાં પાલિકાની કે-પૂર્વ વોર્ડની ઓફિસ સુધી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલી સવારના ૯.૩૦ વાગે ચાલુ થવાની હતી પણ વિલે પાર્લે સ્ટેશન બહાર બાંધવામાં આવેલા સ્ટેજ પાસે વહેલી સવારથી જ મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી હજારો જૈન ભાઈ-બહેનો, સિનિયર સિટિઝનો ભેગા થવા માંડયા હતા, જેમાં સાધુ-સંતો, મહારાજ સાહેબ રાજકીય નેતાઓએ પણ હાજરી પૂરાવીને જૈન સમાજને સમર્થન આપ્યું હતું.

સ્ટેજ પર જૈન મહારાજ સાહેબ સહિત જૈન અગ્રણીઓએ પાલિકાના કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો અને છેલ્લે સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. આ દરમ્યાન થોડા સમય માટે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને હોટલના શેડ હટાવવાથી લઈને તેમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસ તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. એ બાદ સવારના ૧૦.૩૦ વાગે વિલે પાર્લે રેલવે સ્ટેશન બહારથી હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને મુંબઈ પાલિકાના આ પગલા વિરુદ્ધમાં નારાબાજી કરીને અંધેરી પાલિકાની ઓફિસ સુધી રેલી લઈ ગયા હતા ત્યાં પહોંચીને તેમણે આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં તેમણે પાલિકા કમિશનર સાથે ફોન પર આ મુદ્દે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…

કાયદેસર બનાવવાનો સંઘર્ષ

વિલે પાર્લેના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પાલિકાની કે-પૂર્વ ઓફિસમાં પહોંચ્યા બાદ અમારી વાત પાલિકા કમિશનર સાથે થઈ હતી અને તેમણે દેરાસરના તોડી પાડવામાં આવેલા કાટમાળને હટાવી દેવાની અને સંબંધિત અધિકારીની ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે મુજબ સાંજના પાલિકા દ્વારા દેરાસરના તોડી પાડયા બાદ ત્યાં પડી રહેલા કાટમાળને હટાવી લેવામાં આવ્યો હતો અને બાદમાં અમે ત્યાં ભગવાની પૂજા પણ ચાલુ કરી દીધી હતી. તેમ જ સંબંધિત અધિકારીને હટાવી દેવામાં આવ્યો હતો. કાટમાળ હટાવી દેવામાં આવતા પૂજા તો ચાલુ થઈ ગઈ છે. પરંતુ જયાં સુધી અમે દેરાસરને કાયદેસરનું બનાવશું નહીં ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે લીગલ ડોક્યુમેન્ટસ અને વીડિયો સહિતની વિગતો મગાવી છે તેને સબમીટ કરશું. જે સ્ટ્રક્ચરમાં દેરાસર બાંધવામાં આવ્યું છે તે બહુ જૂનું છે અને ૧૯૬૧-૬૧ના કાયદા મુજબ તે કાયદેસરનું છે તે સાબિત કરીને રહીશું.

નિયમ મુજબ થશે

આ દરમ્યાન પાલિકા કમિશનરે ભૂષણ ગગરાણીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે દેરાસરના તોડી પાડવામાં આવેલા કાટમાળને હટાવવાનો આદેશ કે-પૂર્વ વોર્ડને આપવામાં આવ્યો છે. આગળના પગલાં કાયદા મુજબ લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button