ઇન્ટરનેશનલ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી, જાણો વિગતો…

મોસ્કો: રશિયા અને યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટરના અવસર પર યુક્રેનમાં કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર યુદ્ધવિરામ શનિવારે મોસ્કો સમય મુજબ સાંજે 6 વાગ્યાથી ઇસ્ટર સન્ડે પછી મધ્યરાત્રિ સુધી ચાલશે.

શું કહ્યું પુતિને?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે માનવતાવાદી વિચારોથી પ્રેરાઈને રવિવારથી સોમવાર સુધી રશિયન પક્ષ ઇસ્ટર યુદ્ધવિરામની ઘોષણા કરે છે. હું આદેશ આપું છું કે આ સમયગાળા માટે તમામ લશ્કરી કામગીરી બંધ રાખવામાં આવે. પુતિને જનરલ સ્ટાફના ચીફ વેલેરી ગેરાસિમોવ સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી.

પુતિને આગળ કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે યુક્રેનિયન પક્ષ અમારા ઉદાહરણને અનુસરશે. જોકે પુતિને એમ પણ કહ્યું કે આપણા સૈનિકોએ યુદ્ધવિરામના કોઈપણ સંભવિત ઉલ્લંઘન અને દુશ્મન દ્વારા કોઈપણ ઉશ્કેરણી અને આક્રમક કાર્યવાહીને રોકવા માટે તૈયાર રહેવું જોઈએ.

યુક્રેનની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાની કસોટી
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન પર અગાઉના કરારોનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે કિવે ઉર્જા માળખા પરના હુમલાના સંદર્ભમાં “100 થી વધુ વખત” કરારનું ઉલ્લંઘન કર્યું છે. પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇસ્ટર યુદ્ધવિરામ યુક્રેનની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાની કસોટી હશે.

આપણ વાંચો : કિવમાં ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો; યુક્રેનના આરોપ પર રશિયાની પ્રતિક્રિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button