સામદની પાંચ બૉલમાં ચાર સિક્સરને લીધે લખનઊના 180/5

જયપુરઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ શનિવાર રાતની મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન કર્યા હતા. રાજસ્થાનના જોફ્રા આર્ચરની 19મી ઓવરમાં માત્ર સાત રન થયા હતા અને એ ઓવરને અંતે લખનઊનો સ્કોર પાંચ વિકેટે 153 રન હતો. જોકે રાજસ્થાનના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે 20મી ઓવરની જવાબદારી સંદીપ શર્માને આપી હતી જેની એ ઓવરમાં 27 રન બન્યા હતા. લખનઊના અબ્દુલ સામદે (ABDUL SAMAD)એ ઓવરના છેલ્લાં પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકારીને લખનઊનું ટોટલ ઘણું વધારી દીધું હતું.
લખનઊની બૅટિંગ લાઇન-અપમાં ત્રણ બૅટ્સમેનના મહત્ત્વના યોગદાન હતા. એમાં ઓપનર એઇડન માર્કરમ (66 રન, 45 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), આયુષ બદોની (50 રન, 34 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને અબ્દુલ સામદ (30 અણનમ, 10 બૉલ, ચાર સિક્સર)નો સમાવેશ હતો. વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન કરનાર નિકોલસ પૂરન (11 રન) અને કૅપ્ટન રિષભ પંત (ત્રણ રન) સારું રમવામાં નિષ્ફળ ગયા હતા.
રાજસ્થાન વતી હસરંગાએ બે વિકેટ તેમ જ જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો : આરસીબીની હારની હૅટ-ટ્રિક, પંજાબ બીજા નંબર પર આવી ગયું