શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી મહારાષ્ટ્રમાં ભાજપ ફસાયું?

મુંબઈઃ કેન્દ્ર સરકારની ત્રિ-ભાષી શિક્ષણ નીતિનો અમલ કરવાની દક્ષિણના રાજ્યોએ ઘસીને ના પાડી છે અને તેનો વિવાદ ચાલી જ રહ્યો છે. દક્ષિણના રાજ્યોમાં હિન્દીનો વિરોધ કંઈ નવો નથી તેથી આ અપેક્ષિત જ હતું, પરંતુ મહારાષ્ટ્રમાં આ મામલો ભાજપ માટે અઘરો સાબિત થશે તેનો ખ્યાલ લગભગ પક્ષને નહીં હોય. રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા જ શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી છે અને ત્યારથી વિપક્ષોએ જંગ છેડ્યો છે. શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને મનસે આનો વિરોધ કરી રહ્યા છે.
મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને ફરજિયાત બનાવવાનો આગ્રહ શિવસેનાની સ્થાપનાથી થઈ રહ્યો છે અને આ મામલે ઘણીવાર આક્રમક વલણ પણ શિવસેના અને ત્યારબાદ મનસેએ અપનાવ્યું છે. દુકાનોના સાઈનબોર્ડ મરાઠીમાં કરવાથી માંડી લોકોને મરાઠી બોલતા આવડવું જ જોઈએ તે મામલે હિંસા પણ થઈ છે.
હવે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપને હિન્દી ફરજિયાત કરવાનું ક્યાંક ભારે ન પડે તેમ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. એક તો આ વખતે શિવસેના(યુબીટી) ભાજપ સાથે નહીં હોય, જેમની મુંબઈ પર સારી પક્કડ છે અને શિવસેના મરાઠી માણૂસનો મુદ્દો હંમેશાં આગળ લઈ ચાલે છે. તેવામાં માતા-પિતા પણ બાળકો પર ત્રણ ભાષાનો બોજ નાખવાનો વિરોધ કરે છે. હવે ભાજપ અને શિવસેના (શિંદે) અને અજિત પવાર (એનસીપી) સત્તામાં છે અને તેમણે આ શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે ત્યારે મુંબઈની ચૂંટણી દરમિયાન આનો ફાયદો-ગેરફાયદો કોને થાય છે તે જોવાનું છે.
આપણ વાંચો : મરાઠી ભાષા મુદ્દે થઈ રહેલાં રાજકારણ જોઈ ઠાકરે ગુસ્સામાં, કહ્યું કે તમે કોઈને…