નેશનલ

સુપ્રીમ કોર્ટ મર્યાદા વટાવી રહ્યું છે, દેશમાં ધાર્મિક યુદ્ધ માટે CJI જવાબદાર; BJP સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી: વકફ મુદ્દે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટની સામે નારાજગી વ્યક્ત કરનારા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે આ દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે માત્ર મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના જવાબદાર છે. નિશિકાંત દુબેએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના સાસંદ નિશિકાંત દુબેએ શનિવારે સુપ્રીમ કોર્ટ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદો બનાવવાનો હોય તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: સુપ્રીમ કોર્ટની ટીકાના બદલે રાજ્યપાલો આત્મનિરીક્ષણ કરે

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા નિશિકાંત દુબેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદાથી આગળ વધી રહી છે અને જૂના નિર્ણયોના ઉદાહરણો ટાંકીને તેમણે કહ્યું કે દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે.

એક કલમ 377 હતી….

સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “એક કલમ 377 હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હોમોસેકસ્યુઆલિટી એક મોટો અપરાધ છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટપણે કહ્યું છે કે ફક્ત બે જ લિંગ છે, કાં તો પુરુષ કે સ્ત્રી.

કોઈપણ સમુદાય પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય, જૈન હોય, બધા માને છે કે હોમોસેકસ્યુઆલિટી એક ગુનો છે. સુપ્રીમ કોર્ટે તરત જ કહ્યું કે ના, અમે આ એક્ટને રદ કરીએ છીએ.”

આપણ વાંચો: નાસિકમાં દરગાહ ડીમોલીશન મામલો; સુપ્રીમ કોર્ટે નોટિસ પર સ્ટે મુક્યો, બોમ્બે હાઈ કોર્ટ પાસેથી સ્પષ્ટતા માંગી

તો સંસદને બંધ કરી દેવી જોઈએ

ભાજપના સાંસદે આરોપ લગાવ્યો કે દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે માત્ર સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. કોર્ટનો એકમાત્ર હેતુ છે – “શો મી ધી ફેસ, વી વિલ શો યોર ધી લૉ.” સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદાઓથી આગળ વધી રહી છે. કોર્ટનું કાર્યક્ષેત્ર ભારતના બંધારણ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે.

જો તે સમજાવી ન શકે અને દરેક બાબત માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો આ સંસદનો કોઈ અર્થ નથી, તેને બંધ કરી દેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ દેશમાં જે પણ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, તેના માટે જવાબદાર એકમાત્ર વ્યક્તિ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button