આગ્રાની સગીરા મુંબઈના એલટીટી સ્ટેશને છોકરા સાથે નજરે પડ્યા પછી ફરી ગુમ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગ્રાથી ગુમ થયેલી 16 વર્ષની સગીરા મુંબઈના એલટીટી સ્ટેશનના સીસીટીવી કૅમેરામાં નજરે પડી હતી, પરંતુ ત્યાંથી તે ક્યાં ગઈ તેની કોઈ ભાળ મળી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ સગીરા 12 એપ્રિલની સવારે સાડાછ વાગ્યાની આસપાસ પરિવારજનોને જાણ કર્યા વિના ઘરથી નીકળ્યા પછી પાછી ફરી નહોતી. આસપાસના પરિસરમાં અને સગાંસંબંધીઓને ત્યાં તપાસ કર્યા છતાં સગીરાની કોઈ ભાળ ન મળતાં વડીલો પોલીસ સ્ટેશને ગયા હતા. સગીરાના પિતાની ફરિયાદને આધારે આગ્રા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ સગીરા આગ્રા સ્ટેશનેથી મુંબઈ આવતી ટ્રેનમાં ચઢી હતી. 13 એપ્રિલના મળસકે 4.30 વાગ્યાની આસપાસ સગીરા લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) રેલવે સ્ટેશને પહોંચી હતી. બાદમાં તે એક છોકરા સાથે સ્ટેશન બહાર જતી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડે છે.
સગીરા મુંબઈમાં હોવાની જાણ થતાં યુપી પોલીસે મુંબઈ પોલીસની મદદ માગી હતી. પોલીસે રેલવે સ્ટેશન બહારના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસ્યાં હતાં. સ્ટેશન બહાર ગયેલી સગીરા થોડા સમય પછી ફરી સ્ટેશનમાં પ્રવેશતી ફૂટેજમાં દેખાય છે. જોકે પછી સગીરા ક્યાં ગઈ તેનું કોઈ પગેરું પોલીસ શાધી શકી નથી. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.