આમચી મુંબઈ

બનાવટી દસ્તાવેજો રજૂ કરી મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી લાખો રૂપિયા મેળવ્યા

થાણે: બોગસ દસ્તાવેજો તેમ જ દર્દીઓના તૈયાર કરાયેલા બનાવટી રેકોર્ડને આધારે મુખ્ય પ્રધાન રાહત ભંડોળ (સીએમઆરએફ)માંથી 4.75 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સીએમઆરએફના આસિસ્ટન્ટ ડિરેક્ટરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મે અને જુલાઇ, 2023 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ પણ વાંચો: બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારા રેશનિંગ દુકાનના માલિક વિરુદ્ધ ગુનો

એફઆઇઆર અનુસાર આરોપીઓ ડૉ. અનુદુર્ગ ધોની (45), પ્રદીપ બાપુર પાટીલ (41) અને ઇશ્ર્વર પવારે અસ્તિત્વ ન ધરાવતા 13 દર્દીઓ માટે મોહને, આંબિવલી ખાતેની ગણપતિ મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલમાં પ્રવેશ અને સારવારના બનાવટી રેકોર્ડ બનાવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે સીએમઆરએફ પાસેથી 4.75 લાખ રૂપિયાનો દાવો કરવા માટે સર્જરી અને સારવારના રેકોર્ડ સહિતના બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: માલેગાંવમાં બર્થ સર્ટિફિકેટ માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનારા બેની ધરપકડ

આરોપીઓએ બોગસ તબીબી દસ્તાવેજોનું એક એવું જાળું તૈયાર કર્યું હતું, જેના પરથી એવું ફલિત થાય કે ખરેખર દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ઓપરેશન અને સારવારના પણ બનાવટી રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.

આંતરિક તપાસ દરમિયાન આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી, જેને પગલે ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button