આમચી મુંબઈ

મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…

મુંબઈઃ મુંબઈના વિલે પાર્લે (પૂર્વ)માં Shri 1008 Parshwanath Derasar મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડ્વામાં આવતા જૈન સમુદાયની ભાવના દુભાઈ છે અને જૈનોએ મોટી સંખ્યામાં વિલેપાર્લે ખાતે વિરોધ નોંધાવ્યો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો હોવા છતા પાલિકાએ દેરાસર તોડી પાડ્યું હોવાનું જૈન ભાવિકો જણાવી રહ્યા છે. દેરાસર તૂટ્યા બાદ પણ જૈન સમુદાયે અહીં પ્રાર્થના કરી હતી અને ફરી અહીંયા કાયદેસર દેરાસર બનાવવાની વાત કરી હતી. અહીં આવેલા જૈનોએ જણાવ્યું હતું કે અહીં વર્ષોથી તેઓ ભક્તિ કરવા આવે છે અને આ તોડી પડાતા તેમની લાગણીને ઠેસ લાગી છે.

આ મામલે સ્થાનિક વિધાનસભ્ય (ભાજપ) પરાગ અલવાણીએ જણાવ્યું હતું કે તેમણે પાલિકાને હાલપૂરતું ડિમોલિશન ન કરવા અને જ્યુડિશિયલ રિવ્યુ માટે સમય આપવા અપીલ કરી હતી, પરંતુ પાલિકા અધિકારીઓએ કોર્ટના અગાઉના ચુકાદાને આધારે તોડકામ કરી નાખ્યું, જેમાં દેરાસરને ગેરકાયદે ગણાવવામાં આવ્યું હતું. દરમિયાન કે વેસ્ટ વૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ બે દાયકા કરતા પણ જૂનો છે અને સિવિલ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટેમાં કેસ ચાલી રહ્યા છે, પરંતુ કોઈએ સ્ટે ઓર્ડર આપ્યો ન હોવાથી પાલિકાની કામગીરી યોગ્ય છે. જૈન સમુદાય પાલિકાના આ પગલાંથી સખત નારાજ છે અને વિરોધ પ્રદર્શનો દ્વારા ન્યાયની માગણી કરી રહ્યો છે.

આદિત્ય ઠાકરેએ કરી ટ્વીટ

જૈનો મોટેભાગે ભાજપ તરફી મતદાન કરતા હોવાથી શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરી ભાજપને ટોણો માર્યો છે. આદિત્યએ લખ્યું છે કે જૈન સમુદાય હાલમાં પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. પણ પાલિકા હાલમાં મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસ પ્રધાનના સંપૂર્ણ નિયંત્રણમાં છે. મુખ્ય પ્રધાન ભાજપના છે, ઉપમુખ્ય પ્રધાન0 મીંઢે (શિંદે), બે પાલક પ્રધાન ભાજપના છે. પાલક પ્રધાન કોની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તેમનું નાટક છે, તેમણે દેરાસરનું રક્ષણ કરવું જોઈએ, પણ કર્યું નથી. આમ કહી તેણે ખાસ કરીને મંગલપ્રભાત લોઢા અને દીપક કેસરકરને ટોણો માર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button